સાંપ્રદાયિક ચુસ્તતા કે કટ્ટરવાદ?

મોટાભાગના કહેવાતા હિન્દૂ સંપ્રદાયો (ધર્મ નહીં. કારણકે ધર્મ નો અર્થ ખૂબ વિશાળ છે) ના અનુયાયીઓ ધીમે ધીમે પોતાના સાંપ્રદાયિક નિયમોને એટલા બધા આધીન થઈ જાય છે કે તેઓ પોતાની અન્ય સામાજિક જવાબદારી અથવા સામાજિક સંબંધોથી વિમુખ થવા લાગે છે. અથવા તેમના પર સાંપ્રદાયિક વળગણ એટલું બધું હાવી થઈ જાય છે કે તેઓ પોતાના અન્ય સામાજિક વ્યહારો પ્રત્યે તદ્દન ઉદાસીન અને વિમુખ થઈ જાય છે. આવા લોકોને કોઇપણ સંજોગોમાં માત્ર પોતાની સાંપ્રદાયિકતા જ પ્રાથમિક હોય છે અન્ય કશું જ નહીં.

શું કોઈને સારા પ્રસંગે શુભેચ્છા આપતા કે ખરાબ પ્રસંગે સાંત્વન આપતા કે શોક સંદેશ આપતા પણ આપણો સંપ્રદાય આપણને રોકે છે? શું સાંપ્રદાયિક નીતિ નિયમો એટલા ઉચ્ચ છે કે અન્ય સામાજિક બાબતો તદ્દન વાહયાત બની જાય? કે સાંપ્રદાયિક ચુસ્તતા આપણી આંખ, કાન અને વિચારશીલતા ઉપર અંધશ્રદ્ધાની પટ્ટી બાંધી દે છે? જે આપણી વ્યવહારુ વિચારસરણી ને બંધ કરી દે છે?

શું આ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા છે કે સાંપ્રદાયિક અંધશ્રદ્ધા છે? શું આ આપણા સાંપ્રદાયિક નિયમો છે કે અન્ય માનવીય મૂલ્યો પ્રત્યેનો કટ્ટરવાદ છે?
જે અસ્પૃશ્યતા દૂર કરવા માટે ગાંધીજી આખી જિંદગી લડતા રહ્યા એ અસ્પૃશ્યતા ફરી એકવાર આપણા સંપ્રદાયો આપણા મગજમાં ભરી દેવામાં સફળ થયા છે. અને આપણા જ કહેવાતા હિન્દૂ સાંપ્રદાયિક અનુયાયીઓએ સહર્ષ એ સ્વીકારી લીધી છે.

દિગંત પટેલ
ભાવનગર
૮-૧૧-૨૦૧૮

હિંદુ યુવા પેઢીને હિન્દૂ સંસ્કૃતિથી વિમુખ કરવાનું એક મહાભિયાન

છેલ્લા થોડા વર્ષોથી કહેવાતા બિનસંપ્રદાયિકો, બિનહિન્દુઓ અને તેમની સાથે જોડાયેલા કહેવાતા સામાજિક સંગઠનો અને કહેવાતા બુદ્ધિજીવી પ્રસાર માધ્યમો દ્વારા ચલાવતા આયોજનબદ્ધ પ્રયત્નોથી સમગ્ર હિન્દૂ સંસ્કૃતિ, જીવનશૈલી, હજારો વર્ષોની પરંપરાઓ, તહેવારો અને સામાજિક રીતરિવાજો જાણે, સમગ્ર માનવજાતને નુકશાનકારક અને પર્યાવરણનાશક એપ્રકારનો પ્રચાર અને રજૂઆતો કરીને હિંદુ યુવા પેઢીને હિન્દૂ સંસ્કૃતિથી વિમુખ કરવાનું એક મહાભિયાન ચલાવીને ન્યાય પાલિકા સમક્ષ વિવિધ પ્રતિબંધો મંગવામાં આવે છે.

અત્યાર સુધીમા આવા પ્રતિબંધો:

૧. ઉત્તરાયણમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે પતંગ ચગાવવાની મનાઈ. પતંગની દોરીથી પક્ષીઓ ઘવાય છે. (અને ઇદમાં બકરા કાપવામાં જીવદયા નું શું)

૨. હોળી પ્રગટાવવામાં લાકડા બાળીને હવાનું પ્રદુષણ થાય છે. તિલક હોળી ઉજવો. પાણીનો વેડફાટ અટકાવો. (કેમ બીજે ક્યાંય પાણી નથી વેડફાતું? સારું છે સારું છે આ લોકો આપણને સંડાસમાં પાણી વાપરવાની છૂટ આપે છે)

૩. નવરાત્રીમાં અવાજનું પ્રદુષણ વધે છે. યુવાનો ગેરમાર્ગે જાય છે. ગરબા રાત્રે 12 વાગ્યે બંધ. (તો રોજ દિવસમાં પાંચવાર મસ્જિદોના લાઉડ સ્પીકરોમાં પોકારતી બાંગ નું શુ?)

૪. દિવાળીમાં ફટાકડા રાત્રે ૮ થી ૧૦મા જ ફોડવાના *(રાજકીય પક્ષો ગમે ત્યારે ગમે ત્યાં વિરોધ કરવા પૂતળા બાળે અને નાના નાના વિજય ઉત્સવોના બહાને ફટાકડા ફોડે તેનું શું?)*

સારું છે કે ધનતેરાશની પૂજા કરવાના નિયમો,
કાળી ચૌદશના વડા મુકવાનો સમય,
દિવાળીની લક્ષ્મીપૂજા, નૂતન વર્ષનું સ્નેહમિલન. ઘરે બનાવતી મીઠાઈ ફરસાણ બનાવવા, ખાવા અંગેના નિયમો બનાવ્યા નથી.
આભાર સર્વોચ્ચ ન્યાયપાલિકા.

દિગંત પટેલ
ભાવનગર
૨૫-૧૦-૨૦૧૮

આપણે શું સાબિત કરવા માંગીએ છીએ?

મને હંમેશા આશ્ચર્ય થાય છે, જ્યારે જ્યારે આપણા પારંપરિક તહેવારો આવે છે ત્યારે જે તે તહેવાર કે તેના નામને અનુલક્ષીને શા માટે લોકો અલગ અલગ અર્થ અને વ્યાખ્યાઓ અને અર્થઘટનો અને સંદર્ભો ઉભા કરે છે?

આપણે શું સાબિત કરવા માંગીએ છીએ?

આપણે શું મેસેજ કે ઉપદેશ અન્ય લોકોને આપવા માંગીએ છીએ?

કેમ આપણે આપણા તહેવારને જેમ છે એમ જ માણી ના શકીએ? પરંપરાગત રીતે ઉજવી ના શકીએ?

પ્રસારનું કોઈપણ માધ્યમ મળ્યું એટલે બીજાને કંઈક “બતાવી દેવાની”, હું કાંઈક અલગ વિચારસરણી ધરાવું છું એવું સાબિત કરવાની આપણી સુષુપ્ત ઈચ્છા હશે?

ભૂતકાળમાં આપણે દરેક તહેવારમાં કંઈક લખતા હતા કે એ વગર પણ ઉજવણી કરતા હતા ને? અને આનંદ પણ આવતો જ હતો ને?

તો પછી આવા બધા ઉપદેશોની શું જરૂર છે? હા… જો આપણા તહેવારોની ઉજવણીમાં આપણે કોઈ ખરાબ કે નુકશાનકારક કે અંધશ્રદ્ધા યુક્ત પરંપરાને અનુસરતા હોઈએ અને આપણે એને તિલાંજલિ આપવી હોય તો આપણા પોતાથી એ શરૂઆત કરી શકાય.

તહેવારોમાં આવતા ઘણા બધા મેસેજ અને વાતો મને નિરથરક લાગે છે એટલે મેં મારો અભિપ્રાય વ્યક્ત કર્યો. કોઈએ વ્યક્તિગત આક્ષેપ સમજવો નહીં

દિગંત પટેલ
ભાવનગર
૧૮-૧૦-૨૦૧૮