માર્ગ વાહન અકસ્માત માટે જવાબદાર કોણ?

આપણે અવાર નવાર માર્ગ અકસ્માત અંગે સમાચાર વાંચીએ છીએ ઉપરાંત આપણે અથવા આપણા પરિચિત લોકો પણ માર્ગ અકસ્માતના ભોગ બનતા હોઈએ છીએ.

૧. પરંતુ નાના મોટા અકસ્માતો અંગે લોકો પોલીસ ફરિયાદ કરતા નથી.

૨. પોલીસ કે આરટીઓ વિભાગ કે માર્ગ બનાવનાર તજજ્ઞો આવા નાના કે મોટા માર્ગ અકસ્માતોની સઘન વિશ્લેષણ કરતા નહીં હોય.

૩. અકસ્માત બાદ કદાચ વધારે નુકસાન થયું હોય તો વાહનમાલિકો વીમા કંપની પાસે ક્લેમ મૂકતા હોય છે અથવા શારીરિક ઇજાઓ માટે ક્લેમ કરવામાં આવતો હોય છે. અન્યથા નાની મોટી ઇજાઓની નોંધ પણ લેવાતી નથી.

૪. જો દરેક અકસ્માતોની વિધિસર ફરિયાદ, નોંધ અને પછી જો એનું યોગ્ય વિશ્લેષણ થાય તો દરેક અકસ્માતનું કારણ અને નિવારણ થઈ શકે. પરંતુ આપણે સૌ આ અંગે ઉદાસીન વલણ ધરાવીએ છીએ.

શું માત્ર સરકાર, પોલીસ, માર્ગ બનાવનાર એજન્સીઓ જ જવાબદાર હોય છે?

પ્રજા એટલે કે આપણે નાગરિકોનું ઉત્તરદાયિત્વ કેટલું?

શું આપણે સૌ સંપૂર્ણ સમજદારીપૂર્વક વાહનો ચલાવીએ છીએ?

શું આપણે સૌ વાહનવ્યવહારના નીતિનિયમોનું સંપૂર્ણ પાલન કરીએ છીએ?

શું આપણા સગીર સંતાનોને ડ્રાઇવિંગ લાયસન્સ વગર વાહન ચલાવવા આપીએ છીએ?

શું આપણે લાયસન્સ ધરવતા હોવ છતાં ડ્રાઇવિંગ કે વાહન ચલાવવાના નિયમોથી માહિતગાર છીએ?

મારું વ્યક્તિગત અનુમાન, રોજેરોજ માર્ગો પર ચાલતા વાહનો અને આપણી રિશ્વતખોર માનસિકતાનું સતત નિરીક્ષણ કરતા હું એવું માનું છું કે માર્ગ અકસ્માત માટે લોકો (વાહન ચાલક, રસ્તે ચાલતા લોકો) ૫૦% જવાબદાર છે અને બાકીના ૫૦% ઉત્તરદાયિત્વ પોલીસ, RTO વિભાગ અને માર્ગ બનાવનાર તજજ્ઞો અને સ્થાનિક સત્તાધિશોનું છે.

યોગ્ય ગુણવત્તાના માર્ગ બનાવવા, જે તે માર્ગપરના વળાંકો, ક્રોસિંગ (ચાર રસ્તા) ડિવાઇડરો, ઝેબ્રા ક્રોસિંગ, સિગ્નલ, સ્પીડબ્રેકર વગેરે યોગ્ય છે કે નહીં? તેની તકેદારી અને નિષ્ણાતોના અભિપ્રાય મુજબ યોગ્ય ફેરફાર કરવા જોઈએ.

ટ્રાફિક પોલીસે સંપૂર્ણ રીતે નિયમપાલન માટે આગ્રહ રાખવો જોઈએ.

અને લોકોએ શોર્ટકટવાળી રિશ્વતખોર માનસિકતા ત્યજીને સંપૂર્ણ સમજદારી અને જવાબદારીથી વાહન ચલાવવા જોઈએ.

અકસ્માત અને ધર્મ

ગ્રંથો કે મૂર્તિઓ પોતે અમર નથી તો મનુષ્યને કેવીરીતે બચાવી શકે?
અને જેમ 242 માંથી 1 બચી ગયો એમ 242×3=726નંગ સમાન માંથી 1 પુસ્તક બચી ગયું. એ પણ ચમત્કાર છે. ગ્રંથો તમને અમરત્વ ન આપી શકે. સારું જીવવાની પ્રેરણા આપી શકે.

કોઈ જો એમ કહે કે ધર્મગ્રંથ 1000 ડિગ્રી સેન્ટીગ્રેડના તાપમાને પણ અખંડ રહ્યો. તો એના ભૌતિક કારણો તપાસવા જોઈએ. પણ કોઈની શ્રદ્ધાનો અતિરેક એ અંધશ્રદ્ધા છે. અને પોતાના સંપ્રદાયનું મિથ્યાભિમાન છે. આપણા કાર્યકારણની સમજની બહાર છે.
આપણે એવી અપેક્ષા રાખીએ કે જે તે ગ્રંથ કે મૂર્તિ આપણું રક્ષણ કરશે. તો એ અપેક્ષા જ (પરિપૂર્ણ ન થાય ત્યારે) દુઃખ આપે છે.
માનવસહજ સ્વભાવથી કે લાગણીથી આપણે (તું) એવી અપેક્ષા રાખીએ છીએ કે મૂર્તિ કે ગ્રંથ આપણને બચાવી લેશે. એ જ દુઃખનું કારણ (કે આક્રોશનું) બને છે.
કોઈપણ પદાર્થ કે પ્રાણી નો અંત કે મૃત્યુ નિશ્ચિત છે એ આપણે જાણીએ છીએ છતાં અમરત્વની અપેક્ષા પરિપૂર્ણ ન થાય ત્યારે અન્ય માટે પણ આપણે દુઃખી થઈએ છીએ.
શ્રીમદ ભગવદ્દ ગીતામાં શ્રીકૃષ્ણ એ કહ્યું છે: શરીર એક માધ્યમ છે જે આત્મા દ્વારા કપડાની જેમ જીર્ણ થતા બદલાય છે આત્મા અમર છે. આ તત્વજ્ઞાન આપણે આત્મસાત કરવું જોઈએ જેથી આપણા કે પરાયા કે આપણી જાત (સ્વ) માટે અપેક્ષાઓ રાખીને દુઃખી ન થઈએ. માંદગી, ખોડખાપણ, અકસ્માત વગેરે થી થતી કષ્ટિ કે દુઃખ સહજતાથી સ્વીકારું. વધતી વય સાથે નિસ્પૃહી થવું. લાગણીઓ અને ઇન્દ્રિયોથી ધીમે ધીમે મુક્ત થતા જવું (વાનપ્રસ્થ આશ્રમઅને સન્યાસાશ્રમ) જેથી દુઃખ ઓછું અનુભવાય. જીભનો સ્વાદ, સુગંધ, દ્રશ્ય, શ્રાવણ, સ્પર્શ વગેરે દ્વારા મળતું સુખ કે આનંદ ઓછો કરતા જવાનો. જેથી અપેક્ષા અસંતુષ્ટ રહે તો પણ ગ્લાનિ ન અનુભવાય.
નિયતિ દ્વારા ઘટતી કોઈ પણ ઘટનાને સમત્વ થી સ્વીકારીએ તો આક્રોશ નહીં આવે
અસ્તુ.
(મારા અલ્પજ્ઞાન માંથી ઉદભવેલા વિચારો)

અરુણભાઈ સાલિયાને 50મી વર્ષગાંઠે

ચંપાબા અને નરશીદાદાના આંગણાનો અરુણોદય આજે જીવન મધ્યાહને ઝળહળે છે.
લાખ્યાણીના ડેલામાં પાડેલી પા પા પગલીથી હવે મિશિગનમાં ડગ માંડે છે.
તમારા જીવનમાં….
વર્ષાનું વ્હાલ વરસતું રહે,
કૃપાનીરનો નેહ નિરંતર રહે,
નિખિલ-હિમાનું હેત હમેશા વહે,
અથાગ પુરુષાર્થ થી ભરપૂર અર્ધશતક પછી સુખમયી થયેલા તમારા જીવનની પીચ ઉપર તમે સેન્ચ્યુરી મારો અને અમે એ ઉજવણીમાં ઉપસ્થિત હોઈએ એવી અભિલાષા અને શુભેચ્છા.

દિગંત પટેલ

ભાવનગર

09-07-2020

વડીલમિત્ર અને શુભચિંતક આર. ડી. સલીયાની અણધારી વિદાઈવેળાએ

આથમી ગયો ઝળહળતો સુરજ ભરબપોરે

ઉગતો નથી હવે એનો ટહુકો વોટ્સએપમાં સવારે અવાર નવાર આવતા ફોનમાં કેમ ભુલાશે એનો હોંકારો

પરોપકારી એ માનવના કેમ ભુલાશે અગણિત ઉપકારો?

કર્યા છે સંપન્ન એણે લોકોના અનેક અતિ કઠિન કાર્યો

અઢળક અગવડોથી લડતો એ ઝિંદાદિલ અચાનક હારી ગયો?

શું ખોટ હશે સજ્જનોની પરમાત્માના દરબારમાં? એટલે સર્જી દીધો હશે સાવ અચાનક શૂન્યાવકાશ તમારા ઘરમાં?

દિગંત પટેલ

22-06-20

ભાવનગર

બસ વેવાઈ….. આમ જ સાવ અચાનક ?

લેડી કોન્સ્ટેબલ કુ. સુનિતા યાદવને ધન્યવાદ

સામાન્ય નાગરિકોની આરોગ્ય જાળવણી અને મહામારીથી બચાવવાના ઉમદા ઉદેશથી ભારતસરકાર દ્વારા નિર્મિત નિયમોનું ગુજરાતસરકારના સ્પષ્ટ અને લેખિત આદેશ અનુસાર રાજ્યના ગૃહમંત્રાલયના કર્મચારીઓ નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ દરમિયાન નિયમપાલન માટે નાગરિકોને ફરજ પાડે તે એકદમ યોગ્ય જ છે.

જો કોઈ નાગરિક પોતાની રાજકીય વગથી કે અન્ય અધિકારીની સત્તાના બળથી કે અન્ય કોઈપણ રીતે આવા ફરજનિષ્ઠ કર્મચારીના આદેશનું ઉલ્લંઘન કરવા માટે કોઈપણ પ્રયત્નો કરે તો તે માત્ર જે તે પોલીસ કર્મચારીનું તો અપમાન છે જ, સાથે સાથે રાષ્ટ્રના કાયદાનું પણ અપમાન છે. આવા કોઈપણ કૃત્યમાં સત્તાધારી લોકોએ કૃત્ય આચારનારને હતોત્સાહી કરીને ફરજનિષ્ઠ કર્મચારીને પ્રોત્સાહિત કરવા જોઈએ.

અહીં એક જ ઉદાહરણ યોગ્ય રહેશે. સ્વર્ગીય વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની કાર અટકાવનાર પોલીસ કર્મચારી કિરણ બેદીને વડાપ્રધાને પોતાના નિવાસસ્થાને ભોજન માટે આમંત્રિત કરીને ફરજનિષ્ઠા બદલ અભિનંદન આપ્યા હતા.

જો સત્તાધારીઓએ જ નિયમપાલન ન કરવું હોય તો પોલીસ કર્મચારીઓને માર્ગો ઉપર આખી રાત ફરજ ઉપર શા માટે ઉભા રાખે છે ?

જો સત્તાધારીઓએ જ નિયમપાલન ન કરવું હોય તો પોલીસ કર્મચારીઓને માર્ગો ઉપર આખી રાત ફરજ ઉપર શા માટે ઉભા રાખે છે ?ધન્યવાદ છે કુ, સુનિતા યાદવ સહિત સમગ્ર પોલીસ વિભાગને જેઓ કાયદા પાલન માટે ખડેપગે ફરજનિષ્ઠ છે. આપણે વિચારવું જોઈએ કે યુવાન પુત્રી નીડરતાથી પોતાના પરિવાર કે આરોગ્યની પરવાહ કર્યા વગર અડધી રાત્રે ફરજ બજાવે છે અને ભારતસરકારના કાયદા પાલન માટે કોઈ રાજકીય દબાણને તાબે ન થઇઅન્ય પોલીસ કર્મચારીઓએ આ દ્રષ્ટાંતરૂપ વીરાંગનાની તરફેણમાં સંગઠિત રહેવું જોઈએ અને કુ. સુનીતાના કાર્યમાંથી પ્રેરણા મેળવીને ફરજ બજાવે તો જ ભારત મહાસત્તા બનવા તરફ એક ડગ માંડી શકે. ગુજરાતના નાગરિક તરીકે હું કુ. સુનિતા યાદવને ધન્યવાદ પાઠવું છું. હું કુ. સુનિતા અને ભારતના બંધારણનો તરફદાર છું. શું તમે પણ બનશો ?

ધન્યવાદ

દિગંત પટેલ

ભાવનગર

12-7-20

ભાવનગરનો કથળતો કાયદો અને વ્યવસ્થા

આપણું શહેર

#ભાવનગર શહેર અને જિલ્લામાં નિયમપાલન અને વ્યવસ્થાની કથળતી જતી પરિસ્થિતિ એક ખુબ અગત્યની અને પાયાની સમસ્યા બની ગઈ છે. જેને કારણે મોટા ઉદ્યોગગૃહોથી લઈને સામાન્ય દુકાનદાર અને શિક્ષિત વ્યવસાયિકથી લઈને સામાન્ય નાગરિક માત્ર પરેશાની અનુભવે છે, એવું નથી પરંતુ ઘણું બધું નુકશાન પણ સહન કરે છે. જેને કારણે ધીમે ધીમે સારા ઉદ્યોગો અને વ્યાપાર અન્યત્ર સ્થળાન્તરિત થઇ ગયા છે, થતા જાય છે અને હજુ પણ થતા રહેશે. ઉપરાંત, ઉચ્ચ કક્ષાનું બુદ્ધિધન અને વ્યવસાયિક કૌશલ્ય ધરાવતા લોકો તો અન્ય શહેર કે અન્ય રાજ્યની બદલે વિદેશોમાં સ્થાઈ થતા જાય છે.
આ બધું કદાચ સત્તાધીશોના ધ્યાનમાં આવ્યું હશે કે નહિ, પરન્તુ ભાવનગરના નાગરિકો ને તો જરૂર અનુભવ છે.
ઉપરોક્ત પ્રકારની નકારાત્મક પરિસ્થિતિ માત્ર સામાન્ય નાગરિકોને જ અસરકર્તા નથી પરંતુ, જેટલા ઉદ્યોગ વ્યાપાર અન્યત્ર સ્થળાંતરિત થયા કે બંધ થયા તે બધાને કારણે કેટલી રોજગારીઓ, નોકરીઓ ઓછી થઇ ? તેને કારણે સરકારના બધા જ વિભાગોને કેટલી મહેસુલી અવાક કે કરની આવક ઓછી થઇ ? એ બધું તો લાંબા સંશોધનથી જ જાણી શકાય.
હાલમાં જે 2 કે 3 સારા ઉદ્યોગો ભાવનગરમાં બચ્યા છે તેના સેંકડો ઉદ્યોગ સાહસિકો હજારો પરિવારોને રોજગારી પુરી પાડીને લાખ્ખો લોકોનું ગુજરાન ચલાવીને તેમજ સરકારને કરોડો રૂપિયાનો વેરો ચૂકવે છે.આવા વિવિધ કરવેરાઓની આવકમાંથી સત્તાના વિવિધ પદાધિકારીઓ અને કાયદો વ્યવસ્થા સંભાળતા અધિકારિઓને વેતન ચૂકવાય છે.
શા માટે ?
જેથી આ સત્તાધારીઓ અને અધિકારીઓ કાયદો વ્યવસ્થાનું કડક પાલન કરાવીને વેપાર ઉદ્યોગમાં અબજો રૂપિયા રોકતા લોકો અને અન્ય સામાન્ય નાગરિકોને રહેવા અને જીવવા માટે ઉત્તમ કાયદો અને વ્યવસ્થા પુરી પડી શકે. અને અનુક્રમે શહેર રાજ્ય અને દેશનો આર્થિક વિકાસ જળવાઈ રહે.
અન્યથા ?
લોકો વધારે સુરક્ષિત, શહેર, રાજ્ય કે દેશમાં સ્થળાંતરિત થવા માટે મજબુર થતા રહેશે.
હજુયે અમોને વિશ્વાસ છે, અને સારા પરિણામોની અપેક્ષા પણ છે.
ધન્યવાદ. જયભારત
દિગંત પટેલ
ભાવનગર
16-11-2019

બાબાઓને ઉભા કરનાર કોણ?

શાળા ગ્રુપમાં મિત્ર નિલેશ ધોળકીયા ની વોટ્સએપ પોસ્ટ
🔔 બાબાઓને ઉભા કરનાર કોણ?

એ લોકોના પગમાં કરોડોની સંપત્તિ નાખનાર કોણ !? આ લોકોના સત્સંગમાં પોતાના બૈરાઓને સંમતિ આપનાર કોણ? ગાદી અને પૈસાની મસ્તી માથે ચડાવનાર કોણ ? આવા ભોંદુ બાબાઓના પ્રવચનમાં ગરદી કરનાર કોણ ? કોણે આ ધૂતારાઓની નામના આરતી ને ભજન રચ્યા !? આ લોકોના વિરોધમાં અવાજ ઉઠાવનારને –> “ધર્મને ડુબાડનાર અધર્મી છે” <– જેવાં આરોપ કરનાર બધાં જ સમાન દોષી છે.

સરદાર સરોવર ડેમ ગેસ્ટ હાઉસના મેનેજર અને મારા પરમ મિત્ર શ્રી સંજય નિર્વાણ પણ મારી જેવો જ રોષ ઠાલવતા કહે છે કે, પોતાની અક્કલ ગીરવે મૂકી આ લોકોના પગમાં પડનાર સૌથી મોટા દોષી છે. જેમણે આ શૈતાનોમાં દેવ જોયા એ બધા પણ દંભી ને જૂઠા છે જ ! (કહેવાતા–>) ભણેલા તેમજ સુશિક્ષિત તથા એકવીસમી સદીમાં જીવતા લોકો જ્યારે આવા બાબાઓના ચક્કરમાં ફસાય ત્યારે એમની માનસિક દશા પર ગુસ્સો આવે તે સ્વાભાવિક છે.

આવા હરામખોર બાબાઓને ખાતર-પાણી આપીને ‘મહાવૃક્ષ’ બનાવવામાં કઈ બુદ્ધિમાની છે.?

બજારમાં દશ રૂપિયાની કોથમીર લેતા એક એક દાંડી તપાસનારી સુશિક્ષિત મહિલા આવા બાબાઓના પગમાં પડતાં પહેલાં એની નિયત કે લાયકાત સમજવાની કોશિશ કરતી નહીં હોય?

ગાડી લેતાં ચાર વાર ટ્રાયલ લેનાર, મોબાઈલ – લેપટોપ લેતા રૅમ /મેમરી /હાર્ડડિસ્ક જોયા વગર હાથ નહીં લગાડનાર આપણો “સો કોલ્ડ બુદ્ધિમાન સ્ત્રી-પુરુષો આવા બાબાઓ અને માતાઓનાં પગમાં પડતાં જરાપણ તપાસ કરતા નહી જ હોય ને !? કેટલી બધી અંધભક્તિ ?

પ્રોબ્લેમ શું છે ખબર છે !? આપણે આપણી શ્રધ્ધા અને ભક્તિ એટલી સસ્તી કરી નાખી છે, જે કોઈના પર પણ ઓવારી નાખ્યે ii!!

ભગવાનનાં ઠેકેદારો દુકાન માંડીને બેઠા છે. ધર્મના નામનું અફીણ રોજ આપણા મગજમાં ઈન્જેંક્ટ કરતાં રહે છે. અને આપણે આપણી બુધ્ધિને નેવે મૂકી લાલ, લીલા, ભગવા કફનીઓ પહેરેલાં બાબા અને માતાઓનાં શરણમાં પડતા, આખડતા, ફસાતા જ રહીશું કે શું !?!?!?

જ્યાં સુધી સર્વ સામાન્ય માણસ સારાસારનો વિચાર કરતો નથી ત્યાં સુધી આ બાબાઓ, માતાઓનાં ભરડામાં સલવાતા રહીશું. અંધશ્રદ્ધા થી દૂર રહીએ. કર્મ હી પૂજા, ઇન્સાનીયત હી દેવતા માનીએ.

—-> નિલેશ ધોળકિયા ✅

31-08-2017

જ્ઞાનનો અભાવ કે ખાટલે ખોડ ?

ઇતિહાસ સાક્ષી છે કે પુરાણકાળથી અથવા સતયુગથી જે વર્ણના લોકો શિક્ષક હતા, વૈદ હતા, જ્ઞાની હતા. તેમણે જ્ઞાન ઉપર મોનોપોલી રાખવા માટે અન્ય કોઈ પણ સમાજના લોકોને અક્ષરજ્ઞાનથી વંચિત રાખ્યા. અને ક્ષત્રિઓને માત્ર શસ્ત્રવિદ્યા જ શીખવી.
બાકી બધું જ જ્ઞાન સ્વહતક જ છુપાવી રાખ્યું, જેમાં સામાન્ય ભાષા, ગણિત થી શરુ કરીને વેદ ઉપનિષદ કશું જ કોઈને શીખવ્યું નહિ. (વેદ અને ઉપનિષદમાં દુનિયાના બધાજ શાસ્ત્રો, જીવનના બધાજ પરિમાણો અને બધાજ વ્યવસાયોના જ્ઞાનનો સમાવેશ છે. રસોઈકલાથી રાજ્યશાસ્ત્ર અને ગૃહસ્થાશ્રમથી ખગોળશાસ્ત્ર વિષે પ્રાથમિક થી વિશેષજ્ઞ સુધીનું જ્ઞાન ભરેલું પડ્યું છે)જેને કારણે આજે આપણી સંસ્કૃત ભાષા, આયુર્વેદ, ખગોળવિજ્ઞાન સહીત બધું મૃતપ્રાયઃ થઇ ગયું. શા માટે ?
જે જ્ઞાન ને વિતરણ અને વિસ્તરણ કરીને સમાજના દરેક લોકો સુધી પહોંચાડીને લોકઉપયોગી કાર્યો થવા જોઈએ એને બદલે એને ચોક્કસ સમૂહ સુધી જ મર્યાદિત રાખીને સમયાંતરે કુંઠિત કરી નાખવામાં આવ્યું.
જો 1000 વર્ષ પહેલા સમાજના બધાજ વર્ગ કે વર્ણના લોકો પાસે શસ્ત્રવિદ્યા હોત તો વિદેશી આક્રમણકારોને આપણે અટકાવી શક્ય હોત ?
જો બધા પાસે અક્ષરજ્ઞાન હોત તો ઘણા બધા વૈદ કે શિક્ષક કે ખગોળશાસ્ત્રી બનીને દુનિયામાં એનો પ્રસાર કરી શક્યા હોત ?
દરેક સમાજના લોકોમાં વિચક્ષણ બુદ્ધીપ્રતિભાઓ હોય શકે.
દરેક વર્ગમાં કુશળ રાજનિતીજ્ઞ હોઈ શકે. દરેક વર્ણમાં બાહુબલી યોદ્ધાઓ હોઈ શકે. આવા બધા લોકોને યોગ્ય જ્ઞાન આપીને કુશળ બનાવી શકાય. જે કરવામાં આપણે 1000 વર્ષ પાછળ રહયા.
ભારતીય સમાજ અને પશ્ચિમી સંસ્કૃતિ વચ્ચે આ મૂળભૂત તફાવત છે.
બાહુબલી ફિલ્મની પણ આ જ ફિલોસોફી છે. જે વધારે કુશળ હોય તેને રાજા બનાવાય. નહિ કે જે જન્મે વારસદાર હોય.
આ જ થિયરી દરેક વ્યવસાયમાં પણ લગાડવી જોઈએ.
ધન્યવાદ

દિગંત પટેલ
27-8-2019