અરુણભાઈ સાલિયાને 50મી વર્ષગાંઠે

ચંપાબા અને નરશીદાદાના આંગણાનો અરુણોદય આજે જીવન મધ્યાહને ઝળહળે છે.
લાખ્યાણીના ડેલામાં પાડેલી પા પા પગલીથી હવે મિશિગનમાં ડગ માંડે છે.
તમારા જીવનમાં….
વર્ષાનું વ્હાલ વરસતું રહે,
કૃપાનીરનો નેહ નિરંતર રહે,
નિખિલ-હિમાનું હેત હમેશા વહે,
અથાગ પુરુષાર્થ થી ભરપૂર અર્ધશતક પછી સુખમયી થયેલા તમારા જીવનની પીચ ઉપર તમે સેન્ચ્યુરી મારો અને અમે એ ઉજવણીમાં ઉપસ્થિત હોઈએ એવી અભિલાષા અને શુભેચ્છા.

દિગંત પટેલ

ભાવનગર

09-07-2020

વડીલમિત્ર અને શુભચિંતક આર. ડી. સલીયાની અણધારી વિદાઈવેળાએ

આથમી ગયો ઝળહળતો સુરજ ભરબપોરે

ઉગતો નથી હવે એનો ટહુકો વોટ્સએપમાં સવારે અવાર નવાર આવતા ફોનમાં કેમ ભુલાશે એનો હોંકારો

પરોપકારી એ માનવના કેમ ભુલાશે અગણિત ઉપકારો?

કર્યા છે સંપન્ન એણે લોકોના અનેક અતિ કઠિન કાર્યો

અઢળક અગવડોથી લડતો એ ઝિંદાદિલ અચાનક હારી ગયો?

શું ખોટ હશે સજ્જનોની પરમાત્માના દરબારમાં? એટલે સર્જી દીધો હશે સાવ અચાનક શૂન્યાવકાશ તમારા ઘરમાં?

દિગંત પટેલ

22-06-20

ભાવનગર

બસ વેવાઈ….. આમ જ સાવ અચાનક ?

લેડી કોન્સ્ટેબલ કુ. સુનિતા યાદવને ધન્યવાદ

સામાન્ય નાગરિકોની આરોગ્ય જાળવણી અને મહામારીથી બચાવવાના ઉમદા ઉદેશથી ભારતસરકાર દ્વારા નિર્મિત નિયમોનું ગુજરાતસરકારના સ્પષ્ટ અને લેખિત આદેશ અનુસાર રાજ્યના ગૃહમંત્રાલયના કર્મચારીઓ નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ દરમિયાન નિયમપાલન માટે નાગરિકોને ફરજ પાડે તે એકદમ યોગ્ય જ છે.

જો કોઈ નાગરિક પોતાની રાજકીય વગથી કે અન્ય અધિકારીની સત્તાના બળથી કે અન્ય કોઈપણ રીતે આવા ફરજનિષ્ઠ કર્મચારીના આદેશનું ઉલ્લંઘન કરવા માટે કોઈપણ પ્રયત્નો કરે તો તે માત્ર જે તે પોલીસ કર્મચારીનું તો અપમાન છે જ, સાથે સાથે રાષ્ટ્રના કાયદાનું પણ અપમાન છે. આવા કોઈપણ કૃત્યમાં સત્તાધારી લોકોએ કૃત્ય આચારનારને હતોત્સાહી કરીને ફરજનિષ્ઠ કર્મચારીને પ્રોત્સાહિત કરવા જોઈએ.

અહીં એક જ ઉદાહરણ યોગ્ય રહેશે. સ્વર્ગીય વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની કાર અટકાવનાર પોલીસ કર્મચારી કિરણ બેદીને વડાપ્રધાને પોતાના નિવાસસ્થાને ભોજન માટે આમંત્રિત કરીને ફરજનિષ્ઠા બદલ અભિનંદન આપ્યા હતા.

જો સત્તાધારીઓએ જ નિયમપાલન ન કરવું હોય તો પોલીસ કર્મચારીઓને માર્ગો ઉપર આખી રાત ફરજ ઉપર શા માટે ઉભા રાખે છે ?

જો સત્તાધારીઓએ જ નિયમપાલન ન કરવું હોય તો પોલીસ કર્મચારીઓને માર્ગો ઉપર આખી રાત ફરજ ઉપર શા માટે ઉભા રાખે છે ?ધન્યવાદ છે કુ, સુનિતા યાદવ સહિત સમગ્ર પોલીસ વિભાગને જેઓ કાયદા પાલન માટે ખડેપગે ફરજનિષ્ઠ છે. આપણે વિચારવું જોઈએ કે યુવાન પુત્રી નીડરતાથી પોતાના પરિવાર કે આરોગ્યની પરવાહ કર્યા વગર અડધી રાત્રે ફરજ બજાવે છે અને ભારતસરકારના કાયદા પાલન માટે કોઈ રાજકીય દબાણને તાબે ન થઇઅન્ય પોલીસ કર્મચારીઓએ આ દ્રષ્ટાંતરૂપ વીરાંગનાની તરફેણમાં સંગઠિત રહેવું જોઈએ અને કુ. સુનીતાના કાર્યમાંથી પ્રેરણા મેળવીને ફરજ બજાવે તો જ ભારત મહાસત્તા બનવા તરફ એક ડગ માંડી શકે. ગુજરાતના નાગરિક તરીકે હું કુ. સુનિતા યાદવને ધન્યવાદ પાઠવું છું. હું કુ. સુનિતા અને ભારતના બંધારણનો તરફદાર છું. શું તમે પણ બનશો ?

ધન્યવાદ

દિગંત પટેલ

ભાવનગર

12-7-20

ભાવનગરનો કથળતો કાયદો અને વ્યવસ્થા

આપણું શહેર

#ભાવનગર શહેર અને જિલ્લામાં નિયમપાલન અને વ્યવસ્થાની કથળતી જતી પરિસ્થિતિ એક ખુબ અગત્યની અને પાયાની સમસ્યા બની ગઈ છે. જેને કારણે મોટા ઉદ્યોગગૃહોથી લઈને સામાન્ય દુકાનદાર અને શિક્ષિત વ્યવસાયિકથી લઈને સામાન્ય નાગરિક માત્ર પરેશાની અનુભવે છે, એવું નથી પરંતુ ઘણું બધું નુકશાન પણ સહન કરે છે. જેને કારણે ધીમે ધીમે સારા ઉદ્યોગો અને વ્યાપાર અન્યત્ર સ્થળાન્તરિત થઇ ગયા છે, થતા જાય છે અને હજુ પણ થતા રહેશે. ઉપરાંત, ઉચ્ચ કક્ષાનું બુદ્ધિધન અને વ્યવસાયિક કૌશલ્ય ધરાવતા લોકો તો અન્ય શહેર કે અન્ય રાજ્યની બદલે વિદેશોમાં સ્થાઈ થતા જાય છે.
આ બધું કદાચ સત્તાધીશોના ધ્યાનમાં આવ્યું હશે કે નહિ, પરન્તુ ભાવનગરના નાગરિકો ને તો જરૂર અનુભવ છે.
ઉપરોક્ત પ્રકારની નકારાત્મક પરિસ્થિતિ માત્ર સામાન્ય નાગરિકોને જ અસરકર્તા નથી પરંતુ, જેટલા ઉદ્યોગ વ્યાપાર અન્યત્ર સ્થળાંતરિત થયા કે બંધ થયા તે બધાને કારણે કેટલી રોજગારીઓ, નોકરીઓ ઓછી થઇ ? તેને કારણે સરકારના બધા જ વિભાગોને કેટલી મહેસુલી અવાક કે કરની આવક ઓછી થઇ ? એ બધું તો લાંબા સંશોધનથી જ જાણી શકાય.
હાલમાં જે 2 કે 3 સારા ઉદ્યોગો ભાવનગરમાં બચ્યા છે તેના સેંકડો ઉદ્યોગ સાહસિકો હજારો પરિવારોને રોજગારી પુરી પાડીને લાખ્ખો લોકોનું ગુજરાન ચલાવીને તેમજ સરકારને કરોડો રૂપિયાનો વેરો ચૂકવે છે.આવા વિવિધ કરવેરાઓની આવકમાંથી સત્તાના વિવિધ પદાધિકારીઓ અને કાયદો વ્યવસ્થા સંભાળતા અધિકારિઓને વેતન ચૂકવાય છે.
શા માટે ?
જેથી આ સત્તાધારીઓ અને અધિકારીઓ કાયદો વ્યવસ્થાનું કડક પાલન કરાવીને વેપાર ઉદ્યોગમાં અબજો રૂપિયા રોકતા લોકો અને અન્ય સામાન્ય નાગરિકોને રહેવા અને જીવવા માટે ઉત્તમ કાયદો અને વ્યવસ્થા પુરી પડી શકે. અને અનુક્રમે શહેર રાજ્ય અને દેશનો આર્થિક વિકાસ જળવાઈ રહે.
અન્યથા ?
લોકો વધારે સુરક્ષિત, શહેર, રાજ્ય કે દેશમાં સ્થળાંતરિત થવા માટે મજબુર થતા રહેશે.
હજુયે અમોને વિશ્વાસ છે, અને સારા પરિણામોની અપેક્ષા પણ છે.
ધન્યવાદ. જયભારત
દિગંત પટેલ
ભાવનગર
16-11-2019

બાબાઓને ઉભા કરનાર કોણ?

શાળા ગ્રુપમાં મિત્ર નિલેશ ધોળકીયા ની વોટ્સએપ પોસ્ટ
🔔 બાબાઓને ઉભા કરનાર કોણ?

એ લોકોના પગમાં કરોડોની સંપત્તિ નાખનાર કોણ !? આ લોકોના સત્સંગમાં પોતાના બૈરાઓને સંમતિ આપનાર કોણ? ગાદી અને પૈસાની મસ્તી માથે ચડાવનાર કોણ ? આવા ભોંદુ બાબાઓના પ્રવચનમાં ગરદી કરનાર કોણ ? કોણે આ ધૂતારાઓની નામના આરતી ને ભજન રચ્યા !? આ લોકોના વિરોધમાં અવાજ ઉઠાવનારને –> “ધર્મને ડુબાડનાર અધર્મી છે” <– જેવાં આરોપ કરનાર બધાં જ સમાન દોષી છે.

સરદાર સરોવર ડેમ ગેસ્ટ હાઉસના મેનેજર અને મારા પરમ મિત્ર શ્રી સંજય નિર્વાણ પણ મારી જેવો જ રોષ ઠાલવતા કહે છે કે, પોતાની અક્કલ ગીરવે મૂકી આ લોકોના પગમાં પડનાર સૌથી મોટા દોષી છે. જેમણે આ શૈતાનોમાં દેવ જોયા એ બધા પણ દંભી ને જૂઠા છે જ ! (કહેવાતા–>) ભણેલા તેમજ સુશિક્ષિત તથા એકવીસમી સદીમાં જીવતા લોકો જ્યારે આવા બાબાઓના ચક્કરમાં ફસાય ત્યારે એમની માનસિક દશા પર ગુસ્સો આવે તે સ્વાભાવિક છે.

આવા હરામખોર બાબાઓને ખાતર-પાણી આપીને ‘મહાવૃક્ષ’ બનાવવામાં કઈ બુદ્ધિમાની છે.?

બજારમાં દશ રૂપિયાની કોથમીર લેતા એક એક દાંડી તપાસનારી સુશિક્ષિત મહિલા આવા બાબાઓના પગમાં પડતાં પહેલાં એની નિયત કે લાયકાત સમજવાની કોશિશ કરતી નહીં હોય?

ગાડી લેતાં ચાર વાર ટ્રાયલ લેનાર, મોબાઈલ – લેપટોપ લેતા રૅમ /મેમરી /હાર્ડડિસ્ક જોયા વગર હાથ નહીં લગાડનાર આપણો “સો કોલ્ડ બુદ્ધિમાન સ્ત્રી-પુરુષો આવા બાબાઓ અને માતાઓનાં પગમાં પડતાં જરાપણ તપાસ કરતા નહી જ હોય ને !? કેટલી બધી અંધભક્તિ ?

પ્રોબ્લેમ શું છે ખબર છે !? આપણે આપણી શ્રધ્ધા અને ભક્તિ એટલી સસ્તી કરી નાખી છે, જે કોઈના પર પણ ઓવારી નાખ્યે ii!!

ભગવાનનાં ઠેકેદારો દુકાન માંડીને બેઠા છે. ધર્મના નામનું અફીણ રોજ આપણા મગજમાં ઈન્જેંક્ટ કરતાં રહે છે. અને આપણે આપણી બુધ્ધિને નેવે મૂકી લાલ, લીલા, ભગવા કફનીઓ પહેરેલાં બાબા અને માતાઓનાં શરણમાં પડતા, આખડતા, ફસાતા જ રહીશું કે શું !?!?!?

જ્યાં સુધી સર્વ સામાન્ય માણસ સારાસારનો વિચાર કરતો નથી ત્યાં સુધી આ બાબાઓ, માતાઓનાં ભરડામાં સલવાતા રહીશું. અંધશ્રદ્ધા થી દૂર રહીએ. કર્મ હી પૂજા, ઇન્સાનીયત હી દેવતા માનીએ.

—-> નિલેશ ધોળકિયા ✅

31-08-2017

જ્ઞાનનો અભાવ કે ખાટલે ખોડ ?

ઇતિહાસ સાક્ષી છે કે પુરાણકાળથી અથવા સતયુગથી જે વર્ણના લોકો શિક્ષક હતા, વૈદ હતા, જ્ઞાની હતા. તેમણે જ્ઞાન ઉપર મોનોપોલી રાખવા માટે અન્ય કોઈ પણ સમાજના લોકોને અક્ષરજ્ઞાનથી વંચિત રાખ્યા. અને ક્ષત્રિઓને માત્ર શસ્ત્રવિદ્યા જ શીખવી.
બાકી બધું જ જ્ઞાન સ્વહતક જ છુપાવી રાખ્યું, જેમાં સામાન્ય ભાષા, ગણિત થી શરુ કરીને વેદ ઉપનિષદ કશું જ કોઈને શીખવ્યું નહિ. (વેદ અને ઉપનિષદમાં દુનિયાના બધાજ શાસ્ત્રો, જીવનના બધાજ પરિમાણો અને બધાજ વ્યવસાયોના જ્ઞાનનો સમાવેશ છે. રસોઈકલાથી રાજ્યશાસ્ત્ર અને ગૃહસ્થાશ્રમથી ખગોળશાસ્ત્ર વિષે પ્રાથમિક થી વિશેષજ્ઞ સુધીનું જ્ઞાન ભરેલું પડ્યું છે)જેને કારણે આજે આપણી સંસ્કૃત ભાષા, આયુર્વેદ, ખગોળવિજ્ઞાન સહીત બધું મૃતપ્રાયઃ થઇ ગયું. શા માટે ?
જે જ્ઞાન ને વિતરણ અને વિસ્તરણ કરીને સમાજના દરેક લોકો સુધી પહોંચાડીને લોકઉપયોગી કાર્યો થવા જોઈએ એને બદલે એને ચોક્કસ સમૂહ સુધી જ મર્યાદિત રાખીને સમયાંતરે કુંઠિત કરી નાખવામાં આવ્યું.
જો 1000 વર્ષ પહેલા સમાજના બધાજ વર્ગ કે વર્ણના લોકો પાસે શસ્ત્રવિદ્યા હોત તો વિદેશી આક્રમણકારોને આપણે અટકાવી શક્ય હોત ?
જો બધા પાસે અક્ષરજ્ઞાન હોત તો ઘણા બધા વૈદ કે શિક્ષક કે ખગોળશાસ્ત્રી બનીને દુનિયામાં એનો પ્રસાર કરી શક્યા હોત ?
દરેક સમાજના લોકોમાં વિચક્ષણ બુદ્ધીપ્રતિભાઓ હોય શકે.
દરેક વર્ગમાં કુશળ રાજનિતીજ્ઞ હોઈ શકે. દરેક વર્ણમાં બાહુબલી યોદ્ધાઓ હોઈ શકે. આવા બધા લોકોને યોગ્ય જ્ઞાન આપીને કુશળ બનાવી શકાય. જે કરવામાં આપણે 1000 વર્ષ પાછળ રહયા.
ભારતીય સમાજ અને પશ્ચિમી સંસ્કૃતિ વચ્ચે આ મૂળભૂત તફાવત છે.
બાહુબલી ફિલ્મની પણ આ જ ફિલોસોફી છે. જે વધારે કુશળ હોય તેને રાજા બનાવાય. નહિ કે જે જન્મે વારસદાર હોય.
આ જ થિયરી દરેક વ્યવસાયમાં પણ લગાડવી જોઈએ.
ધન્યવાદ

દિગંત પટેલ
27-8-2019

સોમનાથ જ્યોતિર્લિંગ

આજે જ્યાં કાર્તિકીપૂર્ણિમાનો મેળો હિલ્લોળે ચડ્યો હશે એવું જયોર્તિલિંગ સોમનાથઃ

ઈતિહાસ, દંતકથાઓ, વાસ્‍તુવૈભવ ઉ૫ર ઐતિહાસિક દ્રષ્ટિપાત

“નૂતન વર્ષના શુભદિવસે આ૫ણે નિશ્ચય કર્યો છે કે, સોમનાથના મંદિરનું પુનઃ નિર્માણ થવું જોઈએ. આ ૫રમ કર્તવ્‍ય છે, એમાં સૌ એ ભાગ લેવો જોઈએ.”

સને ૧૯૪૭ ની ૧૩ મી નવેમ્‍બરે વિક્રમ સવંત મુજબ નૂતન વર્ષનો દિવસ હતો. ભારતની એકતા અને અખંડતાના શિલ્‍પી અને પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર શ્રી વલ્‍લભભાઈ ૫ટેલે સોમનાથ મંદિરની આ દિવસે મુલાકાત લીધી ત્‍યારે મંદિરના ભગ્નાવશેષો જોઈને તેમનું હ્રદય દ્રવી ઉઠયું હતું સોમનાથના સાગરતટે જઈને હાથની અંજલીમાં સમુદ્રજળ લઈ તેમણે ઉ૫રોકત શબ્‍દોમાં સોમનાથના પુનઃનિર્માણનો સંકલ્‍૫ કર્યો.

ગુજરાતના ૫શ્વિમ કિનારે આવેલ સુંદર અને આકર્ષક સમુદ્રતટે સમયના બદલાતા જતા વહેણ સામે અડીખમ ઉભેલા ભારતના બાર પૈકીના પ્રથમ જયોતિર્લિંગ સોમનાથ ૫ર ભૂતકાળમાં અનેકવાર વિદેશી અને વિધર્મી આક્રમણખોરોએ લુંટ ચલાવીને તોડફોડ કરી હોવા છતાં આ મંદિર ઐતિહાસીક યુગમાં ૫ણ નિર્માણ પામતુ રહયું હોવાના પ્રમાણો મળે છે.

ઈ.સ .૧રર માં ભાવ બૃહસ્‍૫તિ એ રચેલી ‘સોમનાથ પ્રશસ્‍તિ’ માં જણાવ્‍યા મુજબ સોમનાથનું પ્રથમ મંદિર સોમ એટલે કે ચંદ્રએ બનાવ્‍યું , બીજા યુગમાં રાવણે રૂપાનું બનાવ્‍યુ, શ્રી કૃષ્‍ણે લાકડાનું અને ભીમદેવે ૫થ્‍થરનું બનાવ્‍યુ.

સોમનાથ ૫ર થયેલા વિધર્મી આક્રમણો ૫ર એક દ્રષ્તિપાત કરીએ તો ૧ર૭૯ માં મહમદ ગઝનીએ, ૧૩૪૭ માં અલ્‍લાઉદીન ખીલજીના સરદાર અકઝલખાંએ અને ૧૩૯૦, ૧૪૫૧, ૧૪૯૦, ૧૫૧૧, ૧૫૩૦ અને ૧૭૦૧ માં ઔરંગઝેબ અને અન્‍ય વિધર્મીઓએ આ મંદિરને લુટયું હતુ ૫રંતુ આવી દરેક ૫છડાટ ૫છી ૫ણ તે પુનઃ સ્‍થાપિત થતુ રહયુ હતુ .

વાસ્‍તુ વૈભવઃ

મંદિર સ્‍થા૫ત્‍ય માટે વાસ્‍તુવિદ્યામાં દેવ પ્રસાદ નિર્માણની આઠ શૈલીઓ છે. ભૂમિની, વિમાન, લલીતા, દ્રવીડ, નાગર, વિરાટ, સાવનધારા, અને મીશ્રક. તે પૈકીની નાગર શૈલીમાં આ મંદિરનુ બાંધકામ થયું છે .

શિલ્‍૫ સ્‍થા૫ત્‍ય પ્રમાણે શિવ પ્રાસાદનાં પાંચ પ્રકારો છે. વૃષભ, ગિરીકુટ, કૈલાસ, અમરલ અને મેરૂ ! વર્તમાન સોમનાથ મંદિર કૈલાસ મહામેરૂ પ્રાસાદ તરીકે ઓળખાય છે.

આ પ્રાસાદની વિશિષ્‍ટતા એ છે કે નાગર શૈલીમાં બંધાયેલો આ પ્રાસાદ છેલ્‍લા આઠસો વર્ષ ૫છી બન્‍યો છે. નવનિર્મિત સોમનાથ મંદીરમાં ગર્ભગૃહ ઉ૫રાંત સભામંડ૫ અને નૃત્‍યમંડ૫ ૫ણ છે. ભગવાન શિવને ‘નટરાજ’ એટલે કે નૃત્‍યના રચયીતા આદ્યપુરૂષ ગણવામાં આવે છે. આથી શિવમંદિરમાં નૃત્‍યમંડ૫ની રચના ઉચીત ગણાય છે.

આ મંદિરની ખાસીયત એ છે કે કાર્તિકી પૂર્ણિમાની મઘ્‍યરાત્ત્રિએ આકાશનો ચંદ્ર અને શિવલીંગ બન્‍ને એક સીધી લીટીમાં આવી જાય છે. જાણે કે ભગવાન ત્રિપુરારી મસ્‍તક ૫ર ચંદ્ર ધારણ કરીને સાક્ષાત ધરતી ૫ર ન ઉતર્યા હોય !!!

સોમનાથના મંદિરની ભુમિતલથી શિખર સુધીની ઉંચાઈ ૧૫૫ ફુટ છે, તેની ઉ૫રનો ઘ્‍વજદંડ ૩૭ ફુટનો અને એક ફુટના ૫રિઘવાળો છે. ઘ્‍વજની લંબાઈ ૧૦૪ ફુટ છે. મંદિરને શિખર ભાગમાં સાત મજલા છે અને ગર્ભગૃહ તથા તેની ઉ૫રનો એમ કુલ મળીને છ મજલાનુ આ મંદિર છે. મંદિરના સભાગૃહ તેમજ નૃત્‍યમંડ૫માં કુલ ત્રણ ત્રણ મજલા છે. અને તેના ઉ૫ર સવર્ણા એટલે કે ઘુમ્‍મટનો ઉ૫રનો ભાગ આવે છે. આ બંને સવર્ણા ઉ૫ર આમલસરા બનાવીને તેના ઉ૫ર કળશ પ્રતિષ્ઠા કરવામાં આવી છે.

ગર્ભગૃહની ઉ૫રના શિખર ૫ર ૧૦ ટન વજનનો ૫થ્‍થરનો કળશ છે. જયારે નૃત્‍યમંડ૫ ૫રનો કળશ નવ મણનો છે. સભામંડ૫ તથા નૃત્‍યમંડ૫ પ્રત્‍યેકના ઘુમ્‍મટ ૫ર ૧૦૦૧ કળશ કંડારાયા છે.

સોમનાથનાં આ સ્‍થાનની ભૌગોલિક વિશિષ્‍ટતાએ છે કે, અહીંથી દરિયામાર્ગે સીધી લીટીમાં જતાં દક્ષિણ ધ્રુવ સુધી કયાંય કોઈ જમીન નથી.

સેવા સમર્પણઃ

આ મંદિર સાથે સંકળાયેલી વ્‍યકિતઓને ગણવા બેસીએતો નામાવલિ ખુબ લાંબી થાય. દંતકથા મુજબ સોમનાથના સ્‍થા૫ક સોમ (ચંદ્ર) થી માંડીને મંદિરના વારંવારના નિર્માણ અને વિધર્મી આક્રમણો સામે રક્ષણ કરનાર અને સમય આવે જાન ફેસાની કરનારાઓમાં રાવણ, શ્રીકૃષ્‍ણ, ભીમદેવ, અહલ્‍યાબાઈ, વીરહમીરજી ગોહીલ, વેગડોજી ભીલ, સરદાર ૫ટેલ, જામસાહેબ, દિગ્‍વિજયસિંહજી , ગુલાબ કુંવરબા, શ્રી ક. મા. મુનશી, શ્રી કાકાસાહેબ ગાડગીલ, શ્રી દતાત્રેય વામન રેંગે, શ્રી ખંડુભાઈ દેસાઈ, શ્રી બ્રિજમોહનલાલ બિરલા, શ્રી દયાશંકર દવે, શ્રી જયસુખલાલ હાથી, શ્રી મોરારજી દેસાઈ, શ્રી જયકૃષ્‍ણ, હરિવલ્‍લભદાસ, શ્રી દિનેશ શાહ, શ્રી પ્રસન્‍નવદન મહેતા વગેરેનો સમાવેશ થાય છે.

શ્રી લાલકૃષ્‍ણ અડવાણી, શ્રી કેશુભાઈ ૫ટેલ, શ્રી નરેંદ્ર મોદી ,શ્રી જે.ડી. પરમાર વગેરે ઉપરાંત શ્રી અશોક શર્મા ,શ્રી પી.કે. લહેરી વગેરે મહાનુભાવોનું પણ સમયોચિત નોંધપાત્ર યોગદાન રહ્યું છે.

કાર્તિકી પૂર્ણિમાનો મેળોઃ

સોમનાથ મંદિરના છેલ્‍લા નિર્માણ ૫છીથી અહી કારતક માસની તેરશ, ચૌદશ અને પૂનમે ૫રં૫રાગત રીતે ભાતીગળ લોકમેળો ભરાય છે સોરઠપ્રદેશ તરીકે ઓળખાતા આ પ્રદેશની પ્રજાનુ આ એક મહામુલુ લોક ૫ર્વ છે. ગરવાગિરનારની લીલી પરકમ્માપૂરી કરીને ઘરે પાછા જતાં પહેલાં મોટાભાગના ભાવિકો આ મેળાની મોજ માણીને સ્વગૃહે પ્રસ્થાન કરે છે.
#Somnath #veraval #મારુગામવેરાવળ #marugamveraval

સૌજન્ય: શ્રી આશિષભાઈ ખારોડની fb પોસ્ટ

સાંપ્રદાયિક ચુસ્તતા કે કટ્ટરવાદ?

મોટાભાગના કહેવાતા હિન્દૂ સંપ્રદાયો (ધર્મ નહીં. કારણકે ધર્મ નો અર્થ ખૂબ વિશાળ છે) ના અનુયાયીઓ ધીમે ધીમે પોતાના સાંપ્રદાયિક નિયમોને એટલા બધા આધીન થઈ જાય છે કે તેઓ પોતાની અન્ય સામાજિક જવાબદારી અથવા સામાજિક સંબંધોથી વિમુખ થવા લાગે છે. અથવા તેમના પર સાંપ્રદાયિક વળગણ એટલું બધું હાવી થઈ જાય છે કે તેઓ પોતાના અન્ય સામાજિક વ્યહારો પ્રત્યે તદ્દન ઉદાસીન અને વિમુખ થઈ જાય છે. આવા લોકોને કોઇપણ સંજોગોમાં માત્ર પોતાની સાંપ્રદાયિકતા જ પ્રાથમિક હોય છે અન્ય કશું જ નહીં.

શું કોઈને સારા પ્રસંગે શુભેચ્છા આપતા કે ખરાબ પ્રસંગે સાંત્વન આપતા કે શોક સંદેશ આપતા પણ આપણો સંપ્રદાય આપણને રોકે છે? શું સાંપ્રદાયિક નીતિ નિયમો એટલા ઉચ્ચ છે કે અન્ય સામાજિક બાબતો તદ્દન વાહયાત બની જાય? કે સાંપ્રદાયિક ચુસ્તતા આપણી આંખ, કાન અને વિચારશીલતા ઉપર અંધશ્રદ્ધાની પટ્ટી બાંધી દે છે? જે આપણી વ્યવહારુ વિચારસરણી ને બંધ કરી દે છે?

શું આ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા છે કે સાંપ્રદાયિક અંધશ્રદ્ધા છે? શું આ આપણા સાંપ્રદાયિક નિયમો છે કે અન્ય માનવીય મૂલ્યો પ્રત્યેનો કટ્ટરવાદ છે?
જે અસ્પૃશ્યતા દૂર કરવા માટે ગાંધીજી આખી જિંદગી લડતા રહ્યા એ અસ્પૃશ્યતા ફરી એકવાર આપણા સંપ્રદાયો આપણા મગજમાં ભરી દેવામાં સફળ થયા છે. અને આપણા જ કહેવાતા હિન્દૂ સાંપ્રદાયિક અનુયાયીઓએ સહર્ષ એ સ્વીકારી લીધી છે.

દિગંત પટેલ
ભાવનગર
૮-૧૧-૨૦૧૮

એષા દાદાવાલા

આ પૂતળું જોવા જશો નહીં…જવું હોય તો સરદારનો ગગનચુંબી સંકલ્પ જોવા જજો…
આ પૂતળું જોવા જશો નહીં…જવું હોય તો સરદારની અડીખમ તાકાતને જોવા જજો…
સરદારે દેશમાંથી સરકી રહેલી યુનિટીને કેવી રીતે ’સ્ટેચ્યૂ’ કહીને રોકી દીધી હતી એ સમજવા જજો…
આ પૂતળું જોવા જશો નહીં…નક્કામા ઊભા રહેવાને બદલે કર્મવીર કેવી રીતે થઇ શકાય એ જોવા જજો…
પણ જો પૂતળું જ જોવા જાવ તો સિમેન્ટ, સ્ટીલ અને લોખંડની આરપાર સરદારને જોવાનું ભૂલતાં નહીં…!!

હું સવારથી જોઉં છું કે લોકો ટીવી ચેનલો પર ચર્ચાઓ કરી રહ્યા છે કે આ પૂતળામાં કેટલું સિમેન્ટ વપરાયું, કેટલું કોંક્રિટ વપરાયું, કેટલું સ્ટીલ વપરાયું…પણ ભલા માણસ…પૂતળું કયા તત્વોનું બન્યું એની ચર્ચા નહીં, સરદારને સરદાર બનાવનાર તત્વો કયા હતાં એની ચર્ચા થવી જોઇએ.

સરદાર હોવું એટલે શું? સરદાર હોવું એટલે પત્નીનાં મોતનો તાર વાંચ્યા બાદ પણ ફરજ પર તૈનાત રહેવું એ…બે-ત્રણ છીંક આવતા જ રજા માટે બોસ પાસે દોડી જનારને આ વાત નહીં સમજાય.

સરદાર હોવું એટલે જ્યાં સુધી તમે કન્વીન્સ ન થાવ ત્યાં સુધી કોઇની પણ વાતમાં ન આવવું એ…પછી એ વાત કહેનારનું નામ ભલે મોહનદાસ કરમચંદ ગાંધી હોય…

સરદાર હોવું એટલે કન્વીન્સ થઇ જાવ પછી એક જ ઝાટકે બધું છોડીને યા હોમ કરી કૂદી પડવું એ…

સરદાર હોવું એટલે સત્તાનાં રખેવાળ હોવું એ નહીં પણ સરદાર હોવું એટલે રખેવાળોની સત્તા હોવી એ…

સરદાર હોવું એટલે દેશને એક કરવો એવું જ નહીં પણ સરદાર હોવું એટલે ગાંધીની એક જ ઇચ્છા સામે સત્તાને તુચ્છ ગણી લેવી એ…

સરદારની આ ઉત્તુંગ પ્રતિમા રાજપીપળાની સાધુ ટેકરી પર નથી-એ ભારતનાં નકશામાં છે. આપણે એક વાત ભૂલી જઇએ છીએ. અકબર ધ ગ્રેટ, સિકંદર ધ ગ્રેટ કે મહાનત્તમ ચંદ્રગુપ્ત મૌર્ય-આ બધાંએ પણ 560 રજવાડાંઓ જીત્યા ન્હોતા.
એકલું કલિંગ જીતવા જતા અશોક આખેઆખો નિર્દોષોનાં લોહીથી ખરડાઇ ગયો હતો. 560 રજવાડાંઓ ’જીતી લેનાર’ આ માણસની કફની પર નિર્દોષોનાં લોહીનું એક ટીપું પણ પડ્યું ન્હોતું.

પૂતળું જોવા જાવ ત્યારે યાદ રાખજો કે સમ્રાટો અને સરદારો વચ્ચેનો ફરક આ જ હોય છે.

-એષા દાદાવાળા

સ્ટેચ્યુ ઓફ યુનિટી : ભારતવર્ષનું ૧૮૨ મીટર ઊંચું ટટ્ટાર ગુજરાતી ખમીર !

ભારત દેશ આઝાદ થયો, ત્યારે અનેક સમસ્યાઓ હતી. અંગ્રેજ રાજની ગુલામીને લીધે આર્થિક સમૃદ્ધિ પાયમાલ થઇ ચૂકી હતી ( જેના આંકડા શશી થરૂરના પુસ્તકમાંથી સાબિતી સહિત મળી જશે !) ભાગલાના જખમ તાજા હતા. જવાબદારીઓ વિરાટ હતી, અને સિલક ઓછી. હજુ શ્વેત ક્રાંતિને કે હરિયાળી ક્રાંતિને દાયકાઓની વાર હતી. અનેક બાબતમાં પાપા પગલી ભરવાની હતી અને પૂરતા સ્વદેશી હથિયારો બનાવવાનું ય બજેટ નહોતું.

એ અરસામાં સોમનાથ મંદિરના ભવ્ય પુન: નિર્માણનો સરદાર પટેલે અમુક વિરોધની ઉપરવટ જઈને નિર્ણય લીધો. અને અમુક પુરાતત્વવિદો જુના અવશેષો જ યથાવત હેરિટેજ સાઈટ તરીકે જાળવી રાખવાના મતના હતા. પણ આજીવન સાદી ખાદી પહેરનાર અને મરણમૂડીમાં ત્રણસો રૂપિયાથી ય ઓછી રકમ રાખનાર સરદારે મક્કમતાથી વિરાટ સોમનાથ મંદિરને નવેસરથી જ બનાવવાનો નિર્ણય લીધો.

કેમ ? સરદાર કોઈ ત્યાં નિયમિત પૂજાપાઠ કરનાર અતિઆસ્થાળુ ભક્ત પણ નહોતા. ગાંધીજીને હજુ પ્રાચીન હિંદુ તત્વજ્ઞાનમાં રસ હતો, સરદારને તો એ ય નહિ. એમની પાસે આયુષ્યના વર્ષો સાવ ઓછા હતા એનો એમને અંદાજ હતો. એ તો નવું સોમનાથ મંદિર જોઈ પણ ન શક્યા ! સાદાઈથી જીવતા સરદાર તો છેવાડાના કિસાનોના ભેરુ હતા. તો શા માટે એમણે વેરાવળમાં પાકા મકાનોની સોમનાથ સોસાયટી બનાવવાને બદલે વિશાળ સોમનાથ મંદિરનું ખર્ચાળ નવનિર્માણ એ વખતે કરાવ્યું ?

કારણ માત્ર ખંડિત મંદિર નવું બનાવવાનું નહોતું. પણ ભારતીય પ્રજાનો સદીઓથી ખંડિત આત્મવિશ્વાસ બેઠો કરવાનો હતો ! પરાજયબોધને બદલે સ્વરાજની શક્તિનો પરિચય કરાવવાનું હતું. આપણે ફરી બેઠાં થઇ વિજયશ્રી મેળવી શકીએ છીએ એ પાઠ વગર ભણાવ્યે પાકો કરાવવાનું હતું.

મારું સ્ટેન્ડ એટલે જ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ બાબતે એની ઘોષણા થઇ ત્યારે પણ ક્રિસ્ટલ ક્લીઅર હતું. ત્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહોતા. પણ એ વખતે મારી કોલમ ‘સ્પેકટ્રોમીટર’માં મેં આખો લેખ લખેલો જ, જે મારા ૩૧ ઓક્ટોબરે જ લોકાર્પણ થતા પુસ્તક ‘સુપરહીરો સરદાર’માં ય છે. આમાં મારું કાયમી સાતત્ય છે. જુના જોગીઓ જાણે જ છે : અનેક વાર હું લખી બોલી ચૂક્યો છું કે આપણે આપણી જ ઉત્તમ બાબતોના માભાદાર અને દુનિયા દંગ થઇ જાય એવા પેકેજીંગ અને પ્રેઝન્ટેશનમાં કાચા પડીએ છીએ. પુતળા તો શું ? હું તો સુખડી ને ઢોકળાંનું ય વટભેર સુપરસ્ટાઈલિશ ને જાયન્ટ માર્કેટિંગ કરવાના મતનો છું. મારા ‘જેએસકે’ પુસ્તકમાં કૃષ્ણને અલ્ટીમેટ આઇકોન માનીને માર્વેલ કોમિક્સને ઝાંખા પડે એવા ચિત્રો રાજકોટ બેઠાં વિઝ્યુલાઈઝ કરીને મુક્યા જ છે.

તો જ વિશ્વને એમાં રસ પડે. અને આપણી બહાર ‘ગરીબબિચારા ભૂખડીબારશ’ દેશની સાવ ખોટી પડી ગયેલી છાપ બદલે. આપણાથી ઉણી ઉતરતી જગ્યાઓ માત્ર શાનદાર અને જાનદાર પ્રભાવ ઉભો થવાને લીધે વિશ્વવિખ્યાત બને છે. દુનિયાના સાવ પાયમાલ ટચૂકડા દેશોના ય રાષ્ટ્રધ્વજ કદી ફાટેલા ગાભાચીંથરાના જોયા ? ના જ હોય. કારણ કે એ કેવળ કાપડનો ટુકડો નથી. સમગ્ર રાષ્ટ્રનું અને સંસ્કૃતિનું આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિત્વ કરતી કાયમી ઓળખ છે. સરકારો અને પેઢીઓ ફરશે. આવા પ્રતીકો નહિ ફરે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની સરદારપ્રતિમા એટલે જ મારા માટે ચુસ્તપણે આનંદ અને ગૌરવનો જ વિષય છે. સ્ટેચ્યુ ઓફ લિબર્ટી (ન્યુયોર્ક), સીયર્સ ટાવર (શિકાગો ), એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ (ન્યુયોર્ક), આઈફિલ ટાવર (પેરિસ), સીએન ટાવર (ટોરન્ટો), ટીવી ટાવર( બર્લિન), સ્કાય ટાવર (ઓકલેન્ડ), બુર્જ ખલીફા (દુબાઈ) વગેરે ઉંચી ઉંચી વિશ્વવિખ્યાત ઇમારતો નજરે નિહાળી છે. અને દરેક વખતે વિચાર આવ્યો છે, કે નોર્થ અમેરિકાને બાદ કરતા વિસ્તારમાં બધા જ દેશો ભારતથી નાના છે. ત્યાં આવી હાઈટવાળા આખા જગતના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનતા આકારો હોય, તો આપણે ત્યાં ભારતમાં કેમ નહિ ?

સદનસીબે, સરદાર પટેલની આ ગગનચુંબી પ્રતિમાએ શમણું પૂરું કર્યું અને મહેણું ભાંગ્યું. સાચે જ આપણી પાસે ય હવે વિશ્વની સૌથી ઉંચી મૂર્તિ છે, એ વાસ્તવ માટે ચૂંટલી ખણવી પડે છે. પણ એ સાક્ષાત અજરઅમર ઉભી છે. છાતી વટભેર ગજ ગજ ફૂલીને ગર્વથી ફાટ ફાટ થવી જોઈએ, એવી ક્ષણે ય અમુક રૂદાલીઓ એમના મરશિયા છોડે જ નહિ ને ! આવો, એમની ય સડેલ સામ્યવાદી દલીલોના કાયદેસર ભુક્કા બોલાવી નાખીએ.

એક વાત એવી થાય છે, કે આપણે ત્યાં અનેક સમસ્યા છે, ત્યાં આવા મોંઘા પુતળા પોસાય ? આ ખર્ચમાંથી તો સ્કૂલ બનત, હોસ્પિટલ બનત, ગરીબોના પાકા મકાન બનત બ્લા બ્લા.

તો જવાબ એ છે કે, સમસ્યા તો દરેક યુગમાં હતી, દરેક દેશને છે. એટલે શું ત્યાં આઇકોનિક સિમ્બોલ નથી બન્યા ? ઇસ્લામિક બન્યા પછી ય ઈજિપ્તે ખુફૂનો જર્જરિત પિરામીડ પાડ્યો નથી. દેણું થયું ત્યારે ય યુએઈએ બુર્જ ખલીફાનો પ્રોજેક્ટ પડતો નથી મુક્યો. બ્રાઝિલના રિયો ડી જાનેરોની ઝુંપડપટ્ટીઓ કુખ્યાત છે. તો શું ત્યાં રહેલું ક્રાઈસ્ટ ધ રિડીમરનું પુતળું જમીનદોસ્ત કરવાનું ?

હા, ગલીએ ગલીએ ફૂટી નીકળતા દહેરાં-દરગાહની વાત નથી. એકસરખા મંદિરોની ય વાત નથી. પણ જે એકમેવ છે, અનન્ય છે, અભૂતપૂર્વ છે, અદ્ભુત છે, અજોડ છે – એવા વિરલ સ્થાપત્યોની વાત છે. જે વારંવાર બની ન શકે. દિલ્હી અક્ષરધામ આજે ય દિલ્હીમાં વિશ્વભરના પર્યટકો માટે ભારતીય સંસ્કૃતિનો સર્વોત્તમ બ્રાન્ડ એમ્બેસેડર છે, એનો ઇનકાર નથી. બધા કંઈ આખા દેશમાં ફરી ન શકે. આવી કોઈક એક વિશિષ્ટ જગ્યા હોય તો કાયમી આકર્ષણનું કેન્દ્ર બને. એને લીધે પ્રવાસન વિકસે, એ રોજગારીમાં ય વિકાસનો વધારો કરે જ.સરવાળે દરિદ્રતા ઘટે, ઇતિહાસમાં રસ વધે.

પણ શાહજહાંનો આલીશાન તાજમહાલ પાડીને આગરામાં એના સંગેમરમરથી ગરીબોના ઘર બનાવવાની વાતો કરનારને ત્યાંના જ પાગલખાનામાં રવાના કરવા પડે. એ ઇન્ડિયાની જગવિખ્યાત કલ્ચરલ આઈડેન્ટીટી છે. સરદારની પ્રતિમા હમ કિસી કે કમ નહિના આત્મવિશ્વાસનું ઇન્જેક્શન છે. કેનેડીએ ચંદ્રયાત્રાનું સપનું જોયું ત્યારે આવ કકળાટ અમેરિકામાં ય અમુકે કરેલો કે ચંદ્ર પર કશું છે નહિ, તો ત્યાં જવાનો ખર્ચ કરવાને બદલે કલ્યાણકરી યોજનાઓ કરવી જોઈએ. પણ એને લીધે અમેરિકા અને નાસાનો જગતમાં આજે રણકતો સુપરપાવર સિક્કો જામી ગયો. કેટલીય આડપેદાશ જેવી શોધો થઇ એ નફામાં. આ લોજીકથી તો દેવાળિયા ગ્રીસે એક્રોપોલિસના થાંભલા વેંચીને કમાણી કરવી જોઈએ ખૈરાત કરવા ! તો સોશ્યલ નેટવર્ક પણ વીજળીનો બગાડ છે. એક દિવસ બધા મરી જ જવાના છીએ, એટલે શું દિવાળીએ સારા કપડાં નહિ પહેરવાના ? ભારતમાં ઘણા દીનદુઃખિયા છે. એટલે શું મેળા નહી ભરવાના ? પતંગ નહિ ચગાવવાની ? નવરાત્રિએ નાચવું નહિ ? લગ્નમાં મિષ્ટાન્ન નહિ ખાવાનું ? આવું અપનાવો તો ઉલટાનું ગરીબોને થોડી આવક કે ભોજન મળતું હોય એ ય જાય ! યાદ રાખો, દેશની ઈજ્જત વધારવા જમશેદજી ટાટાએ તાજ જેવી ફાઈવ સ્ટાર હોટલ અંગ્રેજોની સામે છાતી કાઢીને બનાવેલી. ત્યારે શું દેશમાં બીજા પ્રશ્નો નહોતા ? પણ એ ય જરૂરી જ હતું.

બીજી વાત એવી છે કે સરદાર ખુદ સાવ સાદગીથી જીવતા, એમના નામે આવા ભપકાદાર તાયફા ન શોભે.

વેલ વેલ. પહેલા તો એ કે આ તાયફા નથી, તેજોદર્શન છે. ‘મેરે પાસ મા હૈ’ જેવું ‘હમારે પાસ સ્ટેચ્યુ ઓફ યુનિટી હૈ’ કહીને ભારતને મદારીભિખારીનો જ દેશ સમજતા અબૂધોની બોલતી બંધ કરવાનું. બીજું એ કે, રૂખડ બાવા જેવા શિવ ભભૂત ચોળી સ્મશાનમાં રહે એવી કિવદંતીઓ છે. તો શું પ્રાચીન ભારતમાં મહાવિરાટ શિવમંદિરો નથી બન્યા ? મહાબલિપૂરમ કે તાંજોર જેવા મંદિરોમાં સદીઓ પહેલાના પ્રચંડ શિલ્પો નથી ? એમ તો બાહુબલિએ રાજપાટ છોડીને દિગંબર સાધુતા જ સ્વીકારેલી. એટલે શું શ્રવણબેલગોડામાં એમની અતિશય ઉંચી ભવ્ય મૂર્તિ નથી બની ? બુદ્ધ પણ અકિંચન સંસારત્યાગી સંયમમાર્ગી ભિક્ષુ હતા. તો અત્યાર સુધી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા એવા ‘સાદાઈપ્રબોધક ત્યાગી સાધુ’ની નથી ? કાયમ માટે જગત આ જ લાર્જર ધેન લાઈફની ભાષાથી અંજાતું આવ્યું છે, એ તો હાડોહાડ વાસ્તવવાદી અને માનવસ્વભાવના પરખંદા સરદારે પણ સ્વીકાર્યું જ હોત, આજે હોત તો.

ત્રીજી વાત. સરદારની આવડી ઉંચી પ્રતિમા તો ગાંધીજીની કેમ નહિ ?

અરે, ગાંધીશિષ્ય સરદારમાં ગાંધી આવી જ ગયા ને. સ્ટેચ્યુ ઓફ યુનિટીથી અંજાઈને જે લોકો સરદારમાં રસ લેશે એમને ગાંધી માટે આદર ફરજીયાત થવાનો જ. અને ગાંધીજી તો ઓલરેડી રિઝર્વ બેન્કની નોટ્સ પર છે જ. દુનિયા આખીને રોજેરોજ એમની સ્મૃતિ સહજ થાય. ઘેર બેઠાં ય આપણે એમના આ બહુમાનને કાયમ જોઈએ જ છીએ, જે બીજા કોઈ રાષ્ટ્રીય નેતાને મળ્યું નથી. વળી, ગાંધીજી જગતભરમાં ખૂબ જાણીતા છે. સરદારની મૂર્તિ એટલે કે સરદારને ગુજરાત ઓળખે એટલું ભારત પણ આજે પૂરું ઓળખતું નથી. કદાચ, અમુક ગુજરાતીઓને અતિરેક લાગે, પણ બાકીના માટે તો સરદારના અપ્રતીમ દેશકાર્ય અને યોગદાન સામે જે માન વર્ષોથી દેશવ્યાપી નથી મળ્યું એનું વ્યાજસહિત થયેલું ચૂકવણું સ્ટેચ્યુ ઓફ યુનિટી છે.

એક સાદું ઉદાહરણ છે. ‘મેકર્સ ઓફ મોડર્ન ઇન્ડિયા’ નામનું પુસ્તક જાણીતા ઈતિહાસકાર રામચંદ્ર ગુહાએ લખ્યું છે. ગુહાજીની વિચારધારા જે હોય તે પણ એમની છાપ એક અભ્યાસુ ઈતિહાસકારની છે. પેંગ્વીન જેવી પૃથ્વીની નંબર વન પ્રકાશન સંસ્થાએ ગુહાને હિસ્ટ્રી બુક્સ માટે એક કરોડ જેવી અધધધ રકમ આપેલી છે. મતલબ, દુનિયામાં ભારત માટે એમની બુક્સ ઓથોરિટી ગણાઈ જાય. એમના પુસ્તકો મને ય વાંચવા ગમે છે, પણ આ ગુહાજીએ ‘મેકર્સ ઓફ મોડર્ન ઇન્ડિયા’ નામનું પુસ્તક લખ્યું. જેમાં ૧૯ વ્યક્તિત્વોને સમાવ્યા જેમણે આજનું ભારત ઘડ્યું. એમાં ગાંધીજી ને ટાગોર, મહાત્મા ફૂલે ને રામ મોહન રાય, ડો. આંબેડકર અને સંઘના ગુરુ ગોલવલકર હોય એ તો સ્વાભાવિક છે. પણ જિન્નાહ છે, સય્યદ અહમદ છે, હમીદ દલવાઈ છે, ટિળક છે, ગોખલે છે, જયપ્રકાશ અને રાજગોપાલાચારી છે. નેહરુ છે, અને પ્રમાણમાં ઓછા જાણીતા રામસ્વામી, તારાબાઈ, કમલાદેવી જેવા નામો ય છે. પણ ભારતના નકશાને એક આકાર આપનાર સરદાર પટેલ નથી ! સ્કોલરની આવી વાત હોય તો બીજા કોમન મેનનું શું પૂછવું ? ગુહાજીનો ધારો કે આ પૂર્વગ્રહ હોય તો એનો જવાબ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. પણ માનો કે , એમની આ પ્રામાણિક ભૂલ છે, તો એ સબૂત છે કે સ્કોલર લોકોને પણ સરદાર માટે આદર થાય એવી માહિતીમાં રસ ગુજરાત બહાર ઓછો થાય એવો માહોલ છે. ગાંધીજીના દોહિત્ર રાજમોહન ગાંધીએ સરદાર પર પુસ્તક ન લખ્યું હોત તો આજે છે, એટલી ય ખબર ઘણાને ભારત બહાર સરદાર વિષે ન હોત. તો એનો જવાબ પણ હરીફરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી જ છે !

અને હા, ગાંધીજીની એથી ય ઉંચી પ્રતિમા બનાવવી હોય તો ક્યાં ના છે? આ થોડી ભારતની અંતિમ ઉંચી પ્રતિમા છે ? આ તો શરૂઆત થઇ. હવે બીજી ભારતમાં એથી ઉંચી ય ભલે ને બને. ઘી ઢોળાય તો આપણી અસ્મિતાની ખીચડીમાં જ ને !

અર્થાત, સો વાતની એક વાત. આપણા સરદારના સ્ટેચ્યુ ઓફ યુનિટીને કારણ વિના ય ગમાડવાનો આપણને હક છે જ. પણ આ તો સકારણ પણ ગમે એવી ઐતિહાસિક ક્ષણ છે ! સાચું છે, તો વખાણવું ય પડે. બીજી ચર્ચા અને સમસ્યાઓ બાજુએ રાખો તો, આ એક પ્રતિમાના સાક્ષાત્કાર પૂરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેશક નરેન્દ્ર બાહુબલિ જ સાબિત થયા છે. વિગતે સમજાવી એમ સચ્ચાઈ છે, ભાટાઈ નથી. નહિ ગમે ત્યારે ટીકા કરી જ છે, ને કરીશું ય ખરા. પણ સરદારની સરખી સમાધિ ય દેશમાં ન હોય,ફિલ્મ પણ ફ્લોપ થઈ હોય નેશનલ લેવલ પર…ત્યાં આ પ્રતિમા એમનું તર્પણ તો ખરું જ. પોલિટિક્સ ભૂલાઈ જશે. ઊંચાઈ નહિ ભૂંસાય એની !

નરેન્દ્ર મોદીએ પ્રતિમા બનાવી તો પિતાશ્રી દામોદરદાસજીની નથી બનાવી. અમુક નેતાઓની જેમ પોતાની ખુદની કે પોતાના કોઈ અંગત ગુરુની ય નથી બનાવી. ફાસીવાદીઓ તો જુના મહારાજાઓ-બાદશાહો-ફારાઓનની જેમ પોતાના બૂત બનાવે. એમણે તો એક વિશ્વનાગરિક એવા ગુર્જર ભારતવાસીનું સનાતન શાશ્વત તર્પણ કર્યું છે. એવા નેતાનું, જે આજીવન સંપૂર્ણ કોંગ્રેસી હતા. એવા વ્યક્તિત્વનું જે કોઈ એક પક્ષ કે રાજ્યના પણ નહિ, આખા દેશના છે. આપણા છે. મોદીસાહેબે તો હમણાં જ રાજકોટમાં ગાંધીજીનું ભવ્ય મ્યુઝિયમ ખુલ્લું મુક્યું જ. એમની સ્કૂલને સ્મારક બનાવી. શ્યામજી કૃષ્ણ વર્માનું ય ભવ્ય સ્મારક કચ્છમાં કરાવડાવ્યું. અંબાજી અને સોમનાથ મંદિર પણ વધુ દૈદીપ્યમાન કર્યા. અને ગાંધીનગરમાં ઉત્તમ એવી દાંડી કુટિર અને મહાત્મા મંદિર તો છે જ. હવે આ બાબતે એમની અતુલ્ય હથોટી છે, પારખુ નજર અને સેન્સ ઓફ ટાઈમિંગ છે. એ તો એમના કટ્ટર વિરોધીઓએ ય છાને ખૂણે સ્વીકારવું જ પડે.

હજારો સાલ સે નરગીસ અપની બેનૂરી પર રોતી હૈ, તબ જાકે હોતા હૈ ચમન મેં દીદાવર પૈદા. જી હા, એક નીયતિનો ભાગ્યચક્રનો અદ્રશ્ય ચકરાવો હોય છે. કોઈ દટાયેલા સિંહાસન પરથી ધૂળ ખંખેરવા એ તોફાન મોકલે છે. રામકૃષ્ણ કદી કાલીઘાટ છોડીને બહાર જ ન ગયા , તો પરમહંસની આપણને ખબર જ કેમ પડત ? પણ વિધાતાએ એક નરેન્દ્રને મોકલ્યા એમની પાસે અને સ્વામી વિવેકાનંદે દુનિયા ફરી અલગારી ઓલિયા રામકૃષ્ણનું નામ અમર કરાવી દીધું. એવું જ સરદાર બાબતે થયું છે. વલ્લભવિદ્યાનગરમાં ભણતી પેઢી ય સરદાર કરતાં સ્માર્ટફોન પાછળ વધુ ક્રેઝી હોય, એ કાળમાં રાજ્ય અને પછી દેશમાં મોદી સરકાર આવી ને તો આવું અશક્ય લાગતું સપનું સાકાર થયું. આવા નેવર બિફોર અને દરેક અર્થમાં ચીલો ચાતરતા કાર્ય માટે પર્સનલ પેશનનું બળ જોઈએ જ. નહિ તો અટકી જ પડે. ખર્ચ થાય. એ તો ગુજરાતીઓ શેરબજારમાંથી પેદા કરી લે, પણ સરદાર વલ્લભભાઈ પટેલ જેવો ગર્જતો એકતાપુરુષ એવો ‘શેર’ બીજો જગતમાં હજુ સુધી પેદા નથી જ થયો. હોય તો બતાવો ને નામ દઈને.

એલિયન ‘ધરતીના કે માનવજાતના સર્વનાશ’ માટે માત્ર અમેરિકામાં જ આક્રમણ કરે, એ સતત હોલીવૂડ ફિલ્મોમાં જોઇને એક મેસેજ એવો દિમાગમાં બેસી જ જાય કે પૃથ્વીમાં અમેરિકા જ ફર્સ્ટ છે. આ સ્માર્ટ ટ્રિક છે, છાકો પાડવાની દુનિયામાં. આપણે એ શીખવી જ પડશે. કાલ્પનિક આયર્ન મેનની જો દુનિયા દીવાની હોય, તો આપણા આ લાડકા લોહપુરુષ તો રિયલ છે. એટલે જ મારા પુસ્તકનું નામ મેં ‘સુપરહીરો સરદાર’ રાખ્યું છે. એટલે જ પૂર્વનિર્ધારિત કાર્યક્રમો ને થાકોડા છતાં, હું ત્યાં જઈ ઉંચી ડોકે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ નિહાળીને ધન્ય થવાની એક ઘડીને યાદના સેફ વોલ્ટમાં ડિપોઝીટ કરવાનો પ્રયાસ કરવાનો છું. મોદી શું, તમે કે હું નહિ હોઈએ તો ય આ સરદારની ઉંચી મૂર્તિ હશે.

મોદીસાહેબ આમ પણ કોઈ નાનકડી વાતને ય ‘રસદાર’ બનાવી શકવાના કાબેલ કસબી છે. એમાં આ તો વિશ્વની સૌથી મોટી પ્રતિમાની ઇવેન્ટ. રસદાર અને સરદારનો આ અસરદાર સંગમ છે. લોકશાહીમાં તમને ન ગમે તો છૂટ છે. પણ મને મહાસત્તાના નાગરિક જેવું ઘડીભર તો ઘડીભર – મહાન ફીલ થયું તો હું શા માટે હરખ ના કરું ? મૂળ વાત કંઈ સરકારને વહાલા થવાની નથી, પણ સરદાર વહાલા છે એમના ઉત્સવની છે.

નર-નારાયણનું ભક્તિગાથાઓમાં આપણે ત્યાં અનોખું યુગ્મ મહત્વ છે. ગુજરાતની પ્રતિભા થકી, ભારતની પ્રતિષ્ઠા અને વિશ્વની પ્રતિમા… આ જ તો છે, નર-નિષ્ઠા અને વલ્લભગરિમા.

Credit ~ જય વસાવડા #JV