ભાવનગરનો કથળતો કાયદો અને વ્યવસ્થા

આપણું શહેર

#ભાવનગર શહેર અને જિલ્લામાં નિયમપાલન અને વ્યવસ્થાની કથળતી જતી પરિસ્થિતિ એક ખુબ અગત્યની અને પાયાની સમસ્યા બની ગઈ છે. જેને કારણે મોટા ઉદ્યોગગૃહોથી લઈને સામાન્ય દુકાનદાર અને શિક્ષિત વ્યવસાયિકથી લઈને સામાન્ય નાગરિક માત્ર પરેશાની અનુભવે છે, એવું નથી પરંતુ ઘણું બધું નુકશાન પણ સહન કરે છે. જેને કારણે ધીમે ધીમે સારા ઉદ્યોગો અને વ્યાપાર અન્યત્ર સ્થળાન્તરિત થઇ ગયા છે, થતા જાય છે અને હજુ પણ થતા રહેશે. ઉપરાંત, ઉચ્ચ કક્ષાનું બુદ્ધિધન અને વ્યવસાયિક કૌશલ્ય ધરાવતા લોકો તો અન્ય શહેર કે અન્ય રાજ્યની બદલે વિદેશોમાં સ્થાઈ થતા જાય છે.
આ બધું કદાચ સત્તાધીશોના ધ્યાનમાં આવ્યું હશે કે નહિ, પરન્તુ ભાવનગરના નાગરિકો ને તો જરૂર અનુભવ છે.
ઉપરોક્ત પ્રકારની નકારાત્મક પરિસ્થિતિ માત્ર સામાન્ય નાગરિકોને જ અસરકર્તા નથી પરંતુ, જેટલા ઉદ્યોગ વ્યાપાર અન્યત્ર સ્થળાંતરિત થયા કે બંધ થયા તે બધાને કારણે કેટલી રોજગારીઓ, નોકરીઓ ઓછી થઇ ? તેને કારણે સરકારના બધા જ વિભાગોને કેટલી મહેસુલી અવાક કે કરની આવક ઓછી થઇ ? એ બધું તો લાંબા સંશોધનથી જ જાણી શકાય.
હાલમાં જે 2 કે 3 સારા ઉદ્યોગો ભાવનગરમાં બચ્યા છે તેના સેંકડો ઉદ્યોગ સાહસિકો હજારો પરિવારોને રોજગારી પુરી પાડીને લાખ્ખો લોકોનું ગુજરાન ચલાવીને તેમજ સરકારને કરોડો રૂપિયાનો વેરો ચૂકવે છે.આવા વિવિધ કરવેરાઓની આવકમાંથી સત્તાના વિવિધ પદાધિકારીઓ અને કાયદો વ્યવસ્થા સંભાળતા અધિકારિઓને વેતન ચૂકવાય છે.
શા માટે ?
જેથી આ સત્તાધારીઓ અને અધિકારીઓ કાયદો વ્યવસ્થાનું કડક પાલન કરાવીને વેપાર ઉદ્યોગમાં અબજો રૂપિયા રોકતા લોકો અને અન્ય સામાન્ય નાગરિકોને રહેવા અને જીવવા માટે ઉત્તમ કાયદો અને વ્યવસ્થા પુરી પડી શકે. અને અનુક્રમે શહેર રાજ્ય અને દેશનો આર્થિક વિકાસ જળવાઈ રહે.
અન્યથા ?
લોકો વધારે સુરક્ષિત, શહેર, રાજ્ય કે દેશમાં સ્થળાંતરિત થવા માટે મજબુર થતા રહેશે.
હજુયે અમોને વિશ્વાસ છે, અને સારા પરિણામોની અપેક્ષા પણ છે.
ધન્યવાદ. જયભારત
દિગંત પટેલ
ભાવનગર
16-11-2019