ભારત દેશ આઝાદ થયો, ત્યારે અનેક સમસ્યાઓ હતી. અંગ્રેજ રાજની ગુલામીને લીધે આર્થિક સમૃદ્ધિ પાયમાલ થઇ ચૂકી હતી ( જેના આંકડા શશી થરૂરના પુસ્તકમાંથી સાબિતી સહિત મળી જશે !) ભાગલાના જખમ તાજા હતા. જવાબદારીઓ વિરાટ હતી, અને સિલક ઓછી. હજુ શ્વેત ક્રાંતિને કે હરિયાળી ક્રાંતિને દાયકાઓની વાર હતી. અનેક બાબતમાં પાપા પગલી ભરવાની હતી અને પૂરતા સ્વદેશી હથિયારો બનાવવાનું ય બજેટ નહોતું.
એ અરસામાં સોમનાથ મંદિરના ભવ્ય પુન: નિર્માણનો સરદાર પટેલે અમુક વિરોધની ઉપરવટ જઈને નિર્ણય લીધો. અને અમુક પુરાતત્વવિદો જુના અવશેષો જ યથાવત હેરિટેજ સાઈટ તરીકે જાળવી રાખવાના મતના હતા. પણ આજીવન સાદી ખાદી પહેરનાર અને મરણમૂડીમાં ત્રણસો રૂપિયાથી ય ઓછી રકમ રાખનાર સરદારે મક્કમતાથી વિરાટ સોમનાથ મંદિરને નવેસરથી જ બનાવવાનો નિર્ણય લીધો.
કેમ ? સરદાર કોઈ ત્યાં નિયમિત પૂજાપાઠ કરનાર અતિઆસ્થાળુ ભક્ત પણ નહોતા. ગાંધીજીને હજુ પ્રાચીન હિંદુ તત્વજ્ઞાનમાં રસ હતો, સરદારને તો એ ય નહિ. એમની પાસે આયુષ્યના વર્ષો સાવ ઓછા હતા એનો એમને અંદાજ હતો. એ તો નવું સોમનાથ મંદિર જોઈ પણ ન શક્યા ! સાદાઈથી જીવતા સરદાર તો છેવાડાના કિસાનોના ભેરુ હતા. તો શા માટે એમણે વેરાવળમાં પાકા મકાનોની સોમનાથ સોસાયટી બનાવવાને બદલે વિશાળ સોમનાથ મંદિરનું ખર્ચાળ નવનિર્માણ એ વખતે કરાવ્યું ?
કારણ માત્ર ખંડિત મંદિર નવું બનાવવાનું નહોતું. પણ ભારતીય પ્રજાનો સદીઓથી ખંડિત આત્મવિશ્વાસ બેઠો કરવાનો હતો ! પરાજયબોધને બદલે સ્વરાજની શક્તિનો પરિચય કરાવવાનું હતું. આપણે ફરી બેઠાં થઇ વિજયશ્રી મેળવી શકીએ છીએ એ પાઠ વગર ભણાવ્યે પાકો કરાવવાનું હતું.
મારું સ્ટેન્ડ એટલે જ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ બાબતે એની ઘોષણા થઇ ત્યારે પણ ક્રિસ્ટલ ક્લીઅર હતું. ત્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહોતા. પણ એ વખતે મારી કોલમ ‘સ્પેકટ્રોમીટર’માં મેં આખો લેખ લખેલો જ, જે મારા ૩૧ ઓક્ટોબરે જ લોકાર્પણ થતા પુસ્તક ‘સુપરહીરો સરદાર’માં ય છે. આમાં મારું કાયમી સાતત્ય છે. જુના જોગીઓ જાણે જ છે : અનેક વાર હું લખી બોલી ચૂક્યો છું કે આપણે આપણી જ ઉત્તમ બાબતોના માભાદાર અને દુનિયા દંગ થઇ જાય એવા પેકેજીંગ અને પ્રેઝન્ટેશનમાં કાચા પડીએ છીએ. પુતળા તો શું ? હું તો સુખડી ને ઢોકળાંનું ય વટભેર સુપરસ્ટાઈલિશ ને જાયન્ટ માર્કેટિંગ કરવાના મતનો છું. મારા ‘જેએસકે’ પુસ્તકમાં કૃષ્ણને અલ્ટીમેટ આઇકોન માનીને માર્વેલ કોમિક્સને ઝાંખા પડે એવા ચિત્રો રાજકોટ બેઠાં વિઝ્યુલાઈઝ કરીને મુક્યા જ છે.
તો જ વિશ્વને એમાં રસ પડે. અને આપણી બહાર ‘ગરીબબિચારા ભૂખડીબારશ’ દેશની સાવ ખોટી પડી ગયેલી છાપ બદલે. આપણાથી ઉણી ઉતરતી જગ્યાઓ માત્ર શાનદાર અને જાનદાર પ્રભાવ ઉભો થવાને લીધે વિશ્વવિખ્યાત બને છે. દુનિયાના સાવ પાયમાલ ટચૂકડા દેશોના ય રાષ્ટ્રધ્વજ કદી ફાટેલા ગાભાચીંથરાના જોયા ? ના જ હોય. કારણ કે એ કેવળ કાપડનો ટુકડો નથી. સમગ્ર રાષ્ટ્રનું અને સંસ્કૃતિનું આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિત્વ કરતી કાયમી ઓળખ છે. સરકારો અને પેઢીઓ ફરશે. આવા પ્રતીકો નહિ ફરે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની સરદારપ્રતિમા એટલે જ મારા માટે ચુસ્તપણે આનંદ અને ગૌરવનો જ વિષય છે. સ્ટેચ્યુ ઓફ લિબર્ટી (ન્યુયોર્ક), સીયર્સ ટાવર (શિકાગો ), એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ (ન્યુયોર્ક), આઈફિલ ટાવર (પેરિસ), સીએન ટાવર (ટોરન્ટો), ટીવી ટાવર( બર્લિન), સ્કાય ટાવર (ઓકલેન્ડ), બુર્જ ખલીફા (દુબાઈ) વગેરે ઉંચી ઉંચી વિશ્વવિખ્યાત ઇમારતો નજરે નિહાળી છે. અને દરેક વખતે વિચાર આવ્યો છે, કે નોર્થ અમેરિકાને બાદ કરતા વિસ્તારમાં બધા જ દેશો ભારતથી નાના છે. ત્યાં આવી હાઈટવાળા આખા જગતના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનતા આકારો હોય, તો આપણે ત્યાં ભારતમાં કેમ નહિ ?
સદનસીબે, સરદાર પટેલની આ ગગનચુંબી પ્રતિમાએ શમણું પૂરું કર્યું અને મહેણું ભાંગ્યું. સાચે જ આપણી પાસે ય હવે વિશ્વની સૌથી ઉંચી મૂર્તિ છે, એ વાસ્તવ માટે ચૂંટલી ખણવી પડે છે. પણ એ સાક્ષાત અજરઅમર ઉભી છે. છાતી વટભેર ગજ ગજ ફૂલીને ગર્વથી ફાટ ફાટ થવી જોઈએ, એવી ક્ષણે ય અમુક રૂદાલીઓ એમના મરશિયા છોડે જ નહિ ને ! આવો, એમની ય સડેલ સામ્યવાદી દલીલોના કાયદેસર ભુક્કા બોલાવી નાખીએ.
એક વાત એવી થાય છે, કે આપણે ત્યાં અનેક સમસ્યા છે, ત્યાં આવા મોંઘા પુતળા પોસાય ? આ ખર્ચમાંથી તો સ્કૂલ બનત, હોસ્પિટલ બનત, ગરીબોના પાકા મકાન બનત બ્લા બ્લા.
તો જવાબ એ છે કે, સમસ્યા તો દરેક યુગમાં હતી, દરેક દેશને છે. એટલે શું ત્યાં આઇકોનિક સિમ્બોલ નથી બન્યા ? ઇસ્લામિક બન્યા પછી ય ઈજિપ્તે ખુફૂનો જર્જરિત પિરામીડ પાડ્યો નથી. દેણું થયું ત્યારે ય યુએઈએ બુર્જ ખલીફાનો પ્રોજેક્ટ પડતો નથી મુક્યો. બ્રાઝિલના રિયો ડી જાનેરોની ઝુંપડપટ્ટીઓ કુખ્યાત છે. તો શું ત્યાં રહેલું ક્રાઈસ્ટ ધ રિડીમરનું પુતળું જમીનદોસ્ત કરવાનું ?
હા, ગલીએ ગલીએ ફૂટી નીકળતા દહેરાં-દરગાહની વાત નથી. એકસરખા મંદિરોની ય વાત નથી. પણ જે એકમેવ છે, અનન્ય છે, અભૂતપૂર્વ છે, અદ્ભુત છે, અજોડ છે – એવા વિરલ સ્થાપત્યોની વાત છે. જે વારંવાર બની ન શકે. દિલ્હી અક્ષરધામ આજે ય દિલ્હીમાં વિશ્વભરના પર્યટકો માટે ભારતીય સંસ્કૃતિનો સર્વોત્તમ બ્રાન્ડ એમ્બેસેડર છે, એનો ઇનકાર નથી. બધા કંઈ આખા દેશમાં ફરી ન શકે. આવી કોઈક એક વિશિષ્ટ જગ્યા હોય તો કાયમી આકર્ષણનું કેન્દ્ર બને. એને લીધે પ્રવાસન વિકસે, એ રોજગારીમાં ય વિકાસનો વધારો કરે જ.સરવાળે દરિદ્રતા ઘટે, ઇતિહાસમાં રસ વધે.
પણ શાહજહાંનો આલીશાન તાજમહાલ પાડીને આગરામાં એના સંગેમરમરથી ગરીબોના ઘર બનાવવાની વાતો કરનારને ત્યાંના જ પાગલખાનામાં રવાના કરવા પડે. એ ઇન્ડિયાની જગવિખ્યાત કલ્ચરલ આઈડેન્ટીટી છે. સરદારની પ્રતિમા હમ કિસી કે કમ નહિના આત્મવિશ્વાસનું ઇન્જેક્શન છે. કેનેડીએ ચંદ્રયાત્રાનું સપનું જોયું ત્યારે આવ કકળાટ અમેરિકામાં ય અમુકે કરેલો કે ચંદ્ર પર કશું છે નહિ, તો ત્યાં જવાનો ખર્ચ કરવાને બદલે કલ્યાણકરી યોજનાઓ કરવી જોઈએ. પણ એને લીધે અમેરિકા અને નાસાનો જગતમાં આજે રણકતો સુપરપાવર સિક્કો જામી ગયો. કેટલીય આડપેદાશ જેવી શોધો થઇ એ નફામાં. આ લોજીકથી તો દેવાળિયા ગ્રીસે એક્રોપોલિસના થાંભલા વેંચીને કમાણી કરવી જોઈએ ખૈરાત કરવા ! તો સોશ્યલ નેટવર્ક પણ વીજળીનો બગાડ છે. એક દિવસ બધા મરી જ જવાના છીએ, એટલે શું દિવાળીએ સારા કપડાં નહિ પહેરવાના ? ભારતમાં ઘણા દીનદુઃખિયા છે. એટલે શું મેળા નહી ભરવાના ? પતંગ નહિ ચગાવવાની ? નવરાત્રિએ નાચવું નહિ ? લગ્નમાં મિષ્ટાન્ન નહિ ખાવાનું ? આવું અપનાવો તો ઉલટાનું ગરીબોને થોડી આવક કે ભોજન મળતું હોય એ ય જાય ! યાદ રાખો, દેશની ઈજ્જત વધારવા જમશેદજી ટાટાએ તાજ જેવી ફાઈવ સ્ટાર હોટલ અંગ્રેજોની સામે છાતી કાઢીને બનાવેલી. ત્યારે શું દેશમાં બીજા પ્રશ્નો નહોતા ? પણ એ ય જરૂરી જ હતું.
બીજી વાત એવી છે કે સરદાર ખુદ સાવ સાદગીથી જીવતા, એમના નામે આવા ભપકાદાર તાયફા ન શોભે.
વેલ વેલ. પહેલા તો એ કે આ તાયફા નથી, તેજોદર્શન છે. ‘મેરે પાસ મા હૈ’ જેવું ‘હમારે પાસ સ્ટેચ્યુ ઓફ યુનિટી હૈ’ કહીને ભારતને મદારીભિખારીનો જ દેશ સમજતા અબૂધોની બોલતી બંધ કરવાનું. બીજું એ કે, રૂખડ બાવા જેવા શિવ ભભૂત ચોળી સ્મશાનમાં રહે એવી કિવદંતીઓ છે. તો શું પ્રાચીન ભારતમાં મહાવિરાટ શિવમંદિરો નથી બન્યા ? મહાબલિપૂરમ કે તાંજોર જેવા મંદિરોમાં સદીઓ પહેલાના પ્રચંડ શિલ્પો નથી ? એમ તો બાહુબલિએ રાજપાટ છોડીને દિગંબર સાધુતા જ સ્વીકારેલી. એટલે શું શ્રવણબેલગોડામાં એમની અતિશય ઉંચી ભવ્ય મૂર્તિ નથી બની ? બુદ્ધ પણ અકિંચન સંસારત્યાગી સંયમમાર્ગી ભિક્ષુ હતા. તો અત્યાર સુધી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા એવા ‘સાદાઈપ્રબોધક ત્યાગી સાધુ’ની નથી ? કાયમ માટે જગત આ જ લાર્જર ધેન લાઈફની ભાષાથી અંજાતું આવ્યું છે, એ તો હાડોહાડ વાસ્તવવાદી અને માનવસ્વભાવના પરખંદા સરદારે પણ સ્વીકાર્યું જ હોત, આજે હોત તો.
ત્રીજી વાત. સરદારની આવડી ઉંચી પ્રતિમા તો ગાંધીજીની કેમ નહિ ?
અરે, ગાંધીશિષ્ય સરદારમાં ગાંધી આવી જ ગયા ને. સ્ટેચ્યુ ઓફ યુનિટીથી અંજાઈને જે લોકો સરદારમાં રસ લેશે એમને ગાંધી માટે આદર ફરજીયાત થવાનો જ. અને ગાંધીજી તો ઓલરેડી રિઝર્વ બેન્કની નોટ્સ પર છે જ. દુનિયા આખીને રોજેરોજ એમની સ્મૃતિ સહજ થાય. ઘેર બેઠાં ય આપણે એમના આ બહુમાનને કાયમ જોઈએ જ છીએ, જે બીજા કોઈ રાષ્ટ્રીય નેતાને મળ્યું નથી. વળી, ગાંધીજી જગતભરમાં ખૂબ જાણીતા છે. સરદારની મૂર્તિ એટલે કે સરદારને ગુજરાત ઓળખે એટલું ભારત પણ આજે પૂરું ઓળખતું નથી. કદાચ, અમુક ગુજરાતીઓને અતિરેક લાગે, પણ બાકીના માટે તો સરદારના અપ્રતીમ દેશકાર્ય અને યોગદાન સામે જે માન વર્ષોથી દેશવ્યાપી નથી મળ્યું એનું વ્યાજસહિત થયેલું ચૂકવણું સ્ટેચ્યુ ઓફ યુનિટી છે.
એક સાદું ઉદાહરણ છે. ‘મેકર્સ ઓફ મોડર્ન ઇન્ડિયા’ નામનું પુસ્તક જાણીતા ઈતિહાસકાર રામચંદ્ર ગુહાએ લખ્યું છે. ગુહાજીની વિચારધારા જે હોય તે પણ એમની છાપ એક અભ્યાસુ ઈતિહાસકારની છે. પેંગ્વીન જેવી પૃથ્વીની નંબર વન પ્રકાશન સંસ્થાએ ગુહાને હિસ્ટ્રી બુક્સ માટે એક કરોડ જેવી અધધધ રકમ આપેલી છે. મતલબ, દુનિયામાં ભારત માટે એમની બુક્સ ઓથોરિટી ગણાઈ જાય. એમના પુસ્તકો મને ય વાંચવા ગમે છે, પણ આ ગુહાજીએ ‘મેકર્સ ઓફ મોડર્ન ઇન્ડિયા’ નામનું પુસ્તક લખ્યું. જેમાં ૧૯ વ્યક્તિત્વોને સમાવ્યા જેમણે આજનું ભારત ઘડ્યું. એમાં ગાંધીજી ને ટાગોર, મહાત્મા ફૂલે ને રામ મોહન રાય, ડો. આંબેડકર અને સંઘના ગુરુ ગોલવલકર હોય એ તો સ્વાભાવિક છે. પણ જિન્નાહ છે, સય્યદ અહમદ છે, હમીદ દલવાઈ છે, ટિળક છે, ગોખલે છે, જયપ્રકાશ અને રાજગોપાલાચારી છે. નેહરુ છે, અને પ્રમાણમાં ઓછા જાણીતા રામસ્વામી, તારાબાઈ, કમલાદેવી જેવા નામો ય છે. પણ ભારતના નકશાને એક આકાર આપનાર સરદાર પટેલ નથી ! સ્કોલરની આવી વાત હોય તો બીજા કોમન મેનનું શું પૂછવું ? ગુહાજીનો ધારો કે આ પૂર્વગ્રહ હોય તો એનો જવાબ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. પણ માનો કે , એમની આ પ્રામાણિક ભૂલ છે, તો એ સબૂત છે કે સ્કોલર લોકોને પણ સરદાર માટે આદર થાય એવી માહિતીમાં રસ ગુજરાત બહાર ઓછો થાય એવો માહોલ છે. ગાંધીજીના દોહિત્ર રાજમોહન ગાંધીએ સરદાર પર પુસ્તક ન લખ્યું હોત તો આજે છે, એટલી ય ખબર ઘણાને ભારત બહાર સરદાર વિષે ન હોત. તો એનો જવાબ પણ હરીફરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી જ છે !
અને હા, ગાંધીજીની એથી ય ઉંચી પ્રતિમા બનાવવી હોય તો ક્યાં ના છે? આ થોડી ભારતની અંતિમ ઉંચી પ્રતિમા છે ? આ તો શરૂઆત થઇ. હવે બીજી ભારતમાં એથી ઉંચી ય ભલે ને બને. ઘી ઢોળાય તો આપણી અસ્મિતાની ખીચડીમાં જ ને !
અર્થાત, સો વાતની એક વાત. આપણા સરદારના સ્ટેચ્યુ ઓફ યુનિટીને કારણ વિના ય ગમાડવાનો આપણને હક છે જ. પણ આ તો સકારણ પણ ગમે એવી ઐતિહાસિક ક્ષણ છે ! સાચું છે, તો વખાણવું ય પડે. બીજી ચર્ચા અને સમસ્યાઓ બાજુએ રાખો તો, આ એક પ્રતિમાના સાક્ષાત્કાર પૂરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેશક નરેન્દ્ર બાહુબલિ જ સાબિત થયા છે. વિગતે સમજાવી એમ સચ્ચાઈ છે, ભાટાઈ નથી. નહિ ગમે ત્યારે ટીકા કરી જ છે, ને કરીશું ય ખરા. પણ સરદારની સરખી સમાધિ ય દેશમાં ન હોય,ફિલ્મ પણ ફ્લોપ થઈ હોય નેશનલ લેવલ પર…ત્યાં આ પ્રતિમા એમનું તર્પણ તો ખરું જ. પોલિટિક્સ ભૂલાઈ જશે. ઊંચાઈ નહિ ભૂંસાય એની !
નરેન્દ્ર મોદીએ પ્રતિમા બનાવી તો પિતાશ્રી દામોદરદાસજીની નથી બનાવી. અમુક નેતાઓની જેમ પોતાની ખુદની કે પોતાના કોઈ અંગત ગુરુની ય નથી બનાવી. ફાસીવાદીઓ તો જુના મહારાજાઓ-બાદશાહો-ફારાઓનની જેમ પોતાના બૂત બનાવે. એમણે તો એક વિશ્વનાગરિક એવા ગુર્જર ભારતવાસીનું સનાતન શાશ્વત તર્પણ કર્યું છે. એવા નેતાનું, જે આજીવન સંપૂર્ણ કોંગ્રેસી હતા. એવા વ્યક્તિત્વનું જે કોઈ એક પક્ષ કે રાજ્યના પણ નહિ, આખા દેશના છે. આપણા છે. મોદીસાહેબે તો હમણાં જ રાજકોટમાં ગાંધીજીનું ભવ્ય મ્યુઝિયમ ખુલ્લું મુક્યું જ. એમની સ્કૂલને સ્મારક બનાવી. શ્યામજી કૃષ્ણ વર્માનું ય ભવ્ય સ્મારક કચ્છમાં કરાવડાવ્યું. અંબાજી અને સોમનાથ મંદિર પણ વધુ દૈદીપ્યમાન કર્યા. અને ગાંધીનગરમાં ઉત્તમ એવી દાંડી કુટિર અને મહાત્મા મંદિર તો છે જ. હવે આ બાબતે એમની અતુલ્ય હથોટી છે, પારખુ નજર અને સેન્સ ઓફ ટાઈમિંગ છે. એ તો એમના કટ્ટર વિરોધીઓએ ય છાને ખૂણે સ્વીકારવું જ પડે.
હજારો સાલ સે નરગીસ અપની બેનૂરી પર રોતી હૈ, તબ જાકે હોતા હૈ ચમન મેં દીદાવર પૈદા. જી હા, એક નીયતિનો ભાગ્યચક્રનો અદ્રશ્ય ચકરાવો હોય છે. કોઈ દટાયેલા સિંહાસન પરથી ધૂળ ખંખેરવા એ તોફાન મોકલે છે. રામકૃષ્ણ કદી કાલીઘાટ છોડીને બહાર જ ન ગયા , તો પરમહંસની આપણને ખબર જ કેમ પડત ? પણ વિધાતાએ એક નરેન્દ્રને મોકલ્યા એમની પાસે અને સ્વામી વિવેકાનંદે દુનિયા ફરી અલગારી ઓલિયા રામકૃષ્ણનું નામ અમર કરાવી દીધું. એવું જ સરદાર બાબતે થયું છે. વલ્લભવિદ્યાનગરમાં ભણતી પેઢી ય સરદાર કરતાં સ્માર્ટફોન પાછળ વધુ ક્રેઝી હોય, એ કાળમાં રાજ્ય અને પછી દેશમાં મોદી સરકાર આવી ને તો આવું અશક્ય લાગતું સપનું સાકાર થયું. આવા નેવર બિફોર અને દરેક અર્થમાં ચીલો ચાતરતા કાર્ય માટે પર્સનલ પેશનનું બળ જોઈએ જ. નહિ તો અટકી જ પડે. ખર્ચ થાય. એ તો ગુજરાતીઓ શેરબજારમાંથી પેદા કરી લે, પણ સરદાર વલ્લભભાઈ પટેલ જેવો ગર્જતો એકતાપુરુષ એવો ‘શેર’ બીજો જગતમાં હજુ સુધી પેદા નથી જ થયો. હોય તો બતાવો ને નામ દઈને.
એલિયન ‘ધરતીના કે માનવજાતના સર્વનાશ’ માટે માત્ર અમેરિકામાં જ આક્રમણ કરે, એ સતત હોલીવૂડ ફિલ્મોમાં જોઇને એક મેસેજ એવો દિમાગમાં બેસી જ જાય કે પૃથ્વીમાં અમેરિકા જ ફર્સ્ટ છે. આ સ્માર્ટ ટ્રિક છે, છાકો પાડવાની દુનિયામાં. આપણે એ શીખવી જ પડશે. કાલ્પનિક આયર્ન મેનની જો દુનિયા દીવાની હોય, તો આપણા આ લાડકા લોહપુરુષ તો રિયલ છે. એટલે જ મારા પુસ્તકનું નામ મેં ‘સુપરહીરો સરદાર’ રાખ્યું છે. એટલે જ પૂર્વનિર્ધારિત કાર્યક્રમો ને થાકોડા છતાં, હું ત્યાં જઈ ઉંચી ડોકે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ નિહાળીને ધન્ય થવાની એક ઘડીને યાદના સેફ વોલ્ટમાં ડિપોઝીટ કરવાનો પ્રયાસ કરવાનો છું. મોદી શું, તમે કે હું નહિ હોઈએ તો ય આ સરદારની ઉંચી મૂર્તિ હશે.
મોદીસાહેબ આમ પણ કોઈ નાનકડી વાતને ય ‘રસદાર’ બનાવી શકવાના કાબેલ કસબી છે. એમાં આ તો વિશ્વની સૌથી મોટી પ્રતિમાની ઇવેન્ટ. રસદાર અને સરદારનો આ અસરદાર સંગમ છે. લોકશાહીમાં તમને ન ગમે તો છૂટ છે. પણ મને મહાસત્તાના નાગરિક જેવું ઘડીભર તો ઘડીભર – મહાન ફીલ થયું તો હું શા માટે હરખ ના કરું ? મૂળ વાત કંઈ સરકારને વહાલા થવાની નથી, પણ સરદાર વહાલા છે એમના ઉત્સવની છે.
નર-નારાયણનું ભક્તિગાથાઓમાં આપણે ત્યાં અનોખું યુગ્મ મહત્વ છે. ગુજરાતની પ્રતિભા થકી, ભારતની પ્રતિષ્ઠા અને વિશ્વની પ્રતિમા… આ જ તો છે, નર-નિષ્ઠા અને વલ્લભગરિમા.
Credit ~ જય વસાવડા #JV
Facebook Comments