મોટાભાગના કહેવાતા હિન્દૂ સંપ્રદાયો (ધર્મ નહીં. કારણકે ધર્મ નો અર્થ ખૂબ વિશાળ છે) ના અનુયાયીઓ ધીમે ધીમે પોતાના સાંપ્રદાયિક નિયમોને એટલા બધા આધીન થઈ જાય છે કે તેઓ પોતાની અન્ય સામાજિક જવાબદારી અથવા સામાજિક સંબંધોથી વિમુખ થવા લાગે છે. અથવા તેમના પર સાંપ્રદાયિક વળગણ એટલું બધું હાવી થઈ જાય છે કે તેઓ પોતાના અન્ય સામાજિક વ્યહારો પ્રત્યે તદ્દન ઉદાસીન અને વિમુખ થઈ જાય છે. આવા લોકોને કોઇપણ સંજોગોમાં માત્ર પોતાની સાંપ્રદાયિકતા જ પ્રાથમિક હોય છે અન્ય કશું જ નહીં.
શું કોઈને સારા પ્રસંગે શુભેચ્છા આપતા કે ખરાબ પ્રસંગે સાંત્વન આપતા કે શોક સંદેશ આપતા પણ આપણો સંપ્રદાય આપણને રોકે છે? શું સાંપ્રદાયિક નીતિ નિયમો એટલા ઉચ્ચ છે કે અન્ય સામાજિક બાબતો તદ્દન વાહયાત બની જાય? કે સાંપ્રદાયિક ચુસ્તતા આપણી આંખ, કાન અને વિચારશીલતા ઉપર અંધશ્રદ્ધાની પટ્ટી બાંધી દે છે? જે આપણી વ્યવહારુ વિચારસરણી ને બંધ કરી દે છે?
શું આ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા છે કે સાંપ્રદાયિક અંધશ્રદ્ધા છે? શું આ આપણા સાંપ્રદાયિક નિયમો છે કે અન્ય માનવીય મૂલ્યો પ્રત્યેનો કટ્ટરવાદ છે?
જે અસ્પૃશ્યતા દૂર કરવા માટે ગાંધીજી આખી જિંદગી લડતા રહ્યા એ અસ્પૃશ્યતા ફરી એકવાર આપણા સંપ્રદાયો આપણા મગજમાં ભરી દેવામાં સફળ થયા છે. અને આપણા જ કહેવાતા હિન્દૂ સાંપ્રદાયિક અનુયાયીઓએ સહર્ષ એ સ્વીકારી લીધી છે.
દિગંત પટેલ
ભાવનગર
૮-૧૧-૨૦૧૮
Facebook Comments