આપણે અવાર નવાર માર્ગ અકસ્માત અંગે સમાચાર વાંચીએ છીએ ઉપરાંત આપણે અથવા આપણા પરિચિત લોકો પણ માર્ગ અકસ્માતના ભોગ બનતા હોઈએ છીએ.
૧. પરંતુ નાના મોટા અકસ્માતો અંગે લોકો પોલીસ ફરિયાદ કરતા નથી.
૨. પોલીસ કે આરટીઓ વિભાગ કે માર્ગ બનાવનાર તજજ્ઞો આવા નાના કે મોટા માર્ગ અકસ્માતોની સઘન વિશ્લેષણ કરતા નહીં હોય.
૩. અકસ્માત બાદ કદાચ વધારે નુકસાન થયું હોય તો વાહનમાલિકો વીમા કંપની પાસે ક્લેમ મૂકતા હોય છે અથવા શારીરિક ઇજાઓ માટે ક્લેમ કરવામાં આવતો હોય છે. અન્યથા નાની મોટી ઇજાઓની નોંધ પણ લેવાતી નથી.
૪. જો દરેક અકસ્માતોની વિધિસર ફરિયાદ, નોંધ અને પછી જો એનું યોગ્ય વિશ્લેષણ થાય તો દરેક અકસ્માતનું કારણ અને નિવારણ થઈ શકે. પરંતુ આપણે સૌ આ અંગે ઉદાસીન વલણ ધરાવીએ છીએ.
શું માત્ર સરકાર, પોલીસ, માર્ગ બનાવનાર એજન્સીઓ જ જવાબદાર હોય છે?
પ્રજા એટલે કે આપણે નાગરિકોનું ઉત્તરદાયિત્વ કેટલું?
શું આપણે સૌ સંપૂર્ણ સમજદારીપૂર્વક વાહનો ચલાવીએ છીએ?
શું આપણે સૌ વાહનવ્યવહારના નીતિનિયમોનું સંપૂર્ણ પાલન કરીએ છીએ?
શું આપણા સગીર સંતાનોને ડ્રાઇવિંગ લાયસન્સ વગર વાહન ચલાવવા આપીએ છીએ?
શું આપણે લાયસન્સ ધરવતા હોવ છતાં ડ્રાઇવિંગ કે વાહન ચલાવવાના નિયમોથી માહિતગાર છીએ?
મારું વ્યક્તિગત અનુમાન, રોજેરોજ માર્ગો પર ચાલતા વાહનો અને આપણી રિશ્વતખોર માનસિકતાનું સતત નિરીક્ષણ કરતા હું એવું માનું છું કે માર્ગ અકસ્માત માટે લોકો (વાહન ચાલક, રસ્તે ચાલતા લોકો) ૫૦% જવાબદાર છે અને બાકીના ૫૦% ઉત્તરદાયિત્વ પોલીસ, RTO વિભાગ અને માર્ગ બનાવનાર તજજ્ઞો અને સ્થાનિક સત્તાધિશોનું છે.
યોગ્ય ગુણવત્તાના માર્ગ બનાવવા, જે તે માર્ગપરના વળાંકો, ક્રોસિંગ (ચાર રસ્તા) ડિવાઇડરો, ઝેબ્રા ક્રોસિંગ, સિગ્નલ, સ્પીડબ્રેકર વગેરે યોગ્ય છે કે નહીં? તેની તકેદારી અને નિષ્ણાતોના અભિપ્રાય મુજબ યોગ્ય ફેરફાર કરવા જોઈએ.
ટ્રાફિક પોલીસે સંપૂર્ણ રીતે નિયમપાલન માટે આગ્રહ રાખવો જોઈએ.
અને લોકોએ શોર્ટકટવાળી રિશ્વતખોર માનસિકતા ત્યજીને સંપૂર્ણ સમજદારી અને જવાબદારીથી વાહન ચલાવવા જોઈએ.
Facebook Comments