આ પૂતળું જોવા જશો નહીં…જવું હોય તો સરદારનો ગગનચુંબી સંકલ્પ જોવા જજો…
આ પૂતળું જોવા જશો નહીં…જવું હોય તો સરદારની અડીખમ તાકાતને જોવા જજો…
સરદારે દેશમાંથી સરકી રહેલી યુનિટીને કેવી રીતે ’સ્ટેચ્યૂ’ કહીને રોકી દીધી હતી એ સમજવા જજો…
આ પૂતળું જોવા જશો નહીં…નક્કામા ઊભા રહેવાને બદલે કર્મવીર કેવી રીતે થઇ શકાય એ જોવા જજો…
પણ જો પૂતળું જ જોવા જાવ તો સિમેન્ટ, સ્ટીલ અને લોખંડની આરપાર સરદારને જોવાનું ભૂલતાં નહીં…!!
હું સવારથી જોઉં છું કે લોકો ટીવી ચેનલો પર ચર્ચાઓ કરી રહ્યા છે કે આ પૂતળામાં કેટલું સિમેન્ટ વપરાયું, કેટલું કોંક્રિટ વપરાયું, કેટલું સ્ટીલ વપરાયું…પણ ભલા માણસ…પૂતળું કયા તત્વોનું બન્યું એની ચર્ચા નહીં, સરદારને સરદાર બનાવનાર તત્વો કયા હતાં એની ચર્ચા થવી જોઇએ.
સરદાર હોવું એટલે શું? સરદાર હોવું એટલે પત્નીનાં મોતનો તાર વાંચ્યા બાદ પણ ફરજ પર તૈનાત રહેવું એ…બે-ત્રણ છીંક આવતા જ રજા માટે બોસ પાસે દોડી જનારને આ વાત નહીં સમજાય.
સરદાર હોવું એટલે જ્યાં સુધી તમે કન્વીન્સ ન થાવ ત્યાં સુધી કોઇની પણ વાતમાં ન આવવું એ…પછી એ વાત કહેનારનું નામ ભલે મોહનદાસ કરમચંદ ગાંધી હોય…
સરદાર હોવું એટલે કન્વીન્સ થઇ જાવ પછી એક જ ઝાટકે બધું છોડીને યા હોમ કરી કૂદી પડવું એ…
સરદાર હોવું એટલે સત્તાનાં રખેવાળ હોવું એ નહીં પણ સરદાર હોવું એટલે રખેવાળોની સત્તા હોવી એ…
સરદાર હોવું એટલે દેશને એક કરવો એવું જ નહીં પણ સરદાર હોવું એટલે ગાંધીની એક જ ઇચ્છા સામે સત્તાને તુચ્છ ગણી લેવી એ…
સરદારની આ ઉત્તુંગ પ્રતિમા રાજપીપળાની સાધુ ટેકરી પર નથી-એ ભારતનાં નકશામાં છે. આપણે એક વાત ભૂલી જઇએ છીએ. અકબર ધ ગ્રેટ, સિકંદર ધ ગ્રેટ કે મહાનત્તમ ચંદ્રગુપ્ત મૌર્ય-આ બધાંએ પણ 560 રજવાડાંઓ જીત્યા ન્હોતા.
એકલું કલિંગ જીતવા જતા અશોક આખેઆખો નિર્દોષોનાં લોહીથી ખરડાઇ ગયો હતો. 560 રજવાડાંઓ ’જીતી લેનાર’ આ માણસની કફની પર નિર્દોષોનાં લોહીનું એક ટીપું પણ પડ્યું ન્હોતું.
પૂતળું જોવા જાવ ત્યારે યાદ રાખજો કે સમ્રાટો અને સરદારો વચ્ચેનો ફરક આ જ હોય છે.
-એષા દાદાવાળા
Facebook Comments